૯. સાહિત્ય સરવાણી
‘શિક્ષાપત્રી’માં શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે સદ્શાસ્ત્રનાં જે વચન ભગવાનના સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં (શ્લોક ૧૦૧-૧૦૨). સોમચંદભાઈને આ વાત અંતરમાં સદાયે રહેતી. શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અતિ અદભુત સ્વરૂપનો અનુભવ કર્યા પછી સોમચંદભાઈના રુંવાડે રુંવાડેથી એ સ્વરૂપનું પ્રધાનપણું તરવરતું. પોતાના સંસર્ગમાં આવે તેને પણ સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરીને ધરવી દે. પોતે ખૂબ જ ફરવાનું ને અનેકને શ્રીજીસ્વરૂપની સતત વાતો કરવાનું રાખેલું તો ય સોમચંદભાઈને એમ થયા કરે કે હજી વધારે ને વધારે આ વાતો કેમ પ્રસરે !
આથી, અનેક જીવોના આધ્યાત્મિક વિકાસના ઉદાત્ત હેતુથી સોમચંદભાઈએ સાહિત્ય પ્રકાશન કર્યું. અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીના જીવનચરિત્રના દળદાર પુસ્તક પછી નાની નાની પુસ્તિકાઓ રૂપે શ્રીહરિસ્વરૂપની અમૂલ્ય સાહિત્ય ચિંતામણિઓ પ્રસિદ્ધ કરી.
શ્રીજીમહારાજના મનુષ્યરૂપ વિચરણ વખતે ‘દાસ’ પદવીના સંતવર્ય શ્રી રસિકદાસજી હતા, તેમણે શ્રીહરિજીના પરમ અદભુત સ્વરૂપનાં અંગોઅંગ, ચિહ્નો, નિત્ય લીલા, વગેરે વર્ણવી ૧૦૮ કડીની ‘માળા’ બનાવેલી હતી. સં. ૧૯૭૮માં અ. મુ. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મિસ્ત્રી માવજીભાઈ કરાંચીમાં આવેલા ને તેઓશ્રી મંદિરમાં પૂજા કર્યા પછી ઉચ્ચ સ્વરે આ ‘માળા’નો નિત્ય પાઠ કરતા, અને તે સાંભળી સૌ સંત-હરિભક્તો ખૂબ રાજી થતા. એમની પાસેથી સોમચંદભાઈએ એ ‘માળા’ કંઠસ્થ કરેલી. આ દિવ્ય ચિંતામણિરૂપ શ્રીહરિમૂર્તિ વર્ણનનો અમૂલ્ય મેવો નાની પુસ્તિકામાં હરિભક્તો માટે પ્રસિદ્ધ કર્યો. ગામેગામ પોતે એ રીતે હરિભક્તોને શ્રીહરિસ્વરૂપના ચિંતવન તરફ દોરી જતા. (સં. ૨૦૦૮, ઇ. સ. ૧૯૫૫)
અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખકમળ નિઃસૃત ‘વચનામૃત’નું રહસ્ય ટૂંકમાં દરેક ‘વચનામૃત’ને અંતે સમજાવ્યું છે તે; બાપાશ્રીએ સં. ૧૯૬૨થી ૧૯૮૪ સુધીના સમયમાં સંત-હરિભક્તોની સભામાં કરેલી જ્ઞાનવાર્તાઓ, જે બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે તેમાંથી તારવેલ ‘રહસ્ય વાતો’ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રીનું વિસ્તૃત જીવનચરિત્ર જે સં. ૧૯૯૮માં છપાયેલ છે તેમાંથી બાપાશ્રીના સ્વમુખે જુદા જુદા સમયે ઉચ્ચારાયેલ શ્રીહરિના માહાત્મ્યજ્ઞાનથી ભરપૂર દિવ્ય વચનોરૂપ ‘દિવ્ય જ્ઞાનામૃત’ - એમ ત્રિદલીય ચિંતામણિરૂપ સંકલિત ૪૦૦ પાનનું ‘અધ્યાત્મજ્ઞાન’ નામક પુસ્તક સોમચંદભાઈએ છપાવી સત્સંગ સમાજની અનેરી સેવા કરી છે. (સં. ૨૦૧૪, ઇ. સ. ૧૯૫૮).
શ્રીહરિજીની પરાવાણી ‘વચનામૃત’, સ. ગુ. ગોપાળાનંદ સ્વામીની વાતો, સ. ગુ. નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ, સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામીની વાતો વગેરે સદગ્રંથોમાંથી શ્રીહરિજીના સર્વોપરીપણાનો જેવો છે તેવો મહિમા સમજાવતાં વચનોનો સંગ્રહ કરી એક પુસ્તિકા ‘શ્રીજી સર્વોપરી સ્વરૂપ સંગ્રહ’ નામે છપાવી પ્રસિદ્ધ કરી. (સં. ૨૦૧૬, ઇ. સ. ૧૯૬૦)
ઉપરોક્ત ત્રિવેણી સંગમમાંથી હરિભક્તોને ‘દિવ્યજ્ઞાનામૃત’ની ભૂખ વિશેષ જાગી. આથી ‘અબજીબાપાશ્રીના જીવનનાં કલ્યાણકારી ટૂંક સંસ્મરણો’ સાથે ‘દિવ્યજ્ઞાનામૃત’ અલગ છપાવી સત્સંગને દિવ્ય ચિંતામણિરૂપે ભેટ ધરી !
તે જ રીતે અબજીબાપાશ્રીની વાતનોના બે ગ્રંથોના સારરૂપ તે જ ગ્રંથના બીજા ભાગની ૧૫૨મી વાર્તા છે, તે નિત્યસ્મરણ કરવા યોગ્ય છે, તેમ જાણીને તે વાર્તા નાની પુસ્તિકારૂપે છપાવી પ્રસિદ્ધ કરી. (સં. ૨૦૧૭, ઇ. સ. ૧૯૬૧)
સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત ‘શ્રી પુરુષોત્તમ નિરૂપણ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનના યથાર્થ સ્વરૂપને વર્ણવે છે, તેને જુદું છપાવવાની માગ થતા, ‘શ્રી પુરુષોત્તમ નિરૂપણ’ નામે નાની પુસ્તિકા છપાવી. (સં. ૨૦૧૮, ઇ. સ. ૧૯૬૨)
એ જ રીતે સંપ્રદાયનાં પુસ્તકોમાંથી એકત્ર કરેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રો તથા સત્સંગમાં દૃઢ અંગવાળા ભક્તોના ટૂંકા પ્રસંગો તેમજ સ. ગુ. શ્રી વૈશ્નવાનંદ સ્વામી કૃત ‘પુરુષોત્તમ વિવાહ’ - એમ નાની પુસ્તિકારૂપે છપાવ્યું. (સં. ૨૦૧૮, ઇ. સ. ૧૯૬૨)
આ ઉપરાંત, મૂળી મંદિરના સંતોની ઉજ્જવળ પરંપરાના સિદ્ધ મુક્તો સ. ગુ. શ્રી હરિનારાયણદાસજી સ્વામી અને સ. ગુ. શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનાં સંસ્મરણો સાથે સ. ગુ. શ્રી ભગવત્સ્વરૂપદાસજી સ્વામીનું જીવનચરિત્ર અને ઉપદેશ છપાવી એ સદગુરુની કૃપામાં આવેલા અનેક હરિભક્તોને રાજી કર્યા. એ સદગુરુઓના સમાગમમાં ન આવી શકેલા મુમુક્ષુઓને તેઓશ્રીનાં જીવનસંસ્મરણોથી પ્રેરણા મળી. (સં. ૨૦૦૫, ઇ. સ. ૧૯૪૯)
તે જ રીતે વીરમગામમાં સાંખ્યયોગી બાશ્રી નાથીબાના શિષ્ય શ્રી સંતોકબાનું શુદ્ધ આચરણ, શ્રીહરિનો દૃઢ નિશ્ચય, સત્સંગની દૃઢતા, પોતે નિયમમાં વર્તી પોતાની પાસે રહેલાં સર્વે બાઈઓને એ રીતે સંપ્રદાયની મર્યાદામાં વર્તાવવાનો આગ્રહ - વગેરેથી શ્રીજીમહારાજે તેમને ધામમાં તેડી જતા અગાઉ દર્શન દઈ ધામમાં લઈ જવાનો સમય કહેલો ને અંત વખતે શ્રીહરિ દર્શન સાથે દેહ મૂકેલો. તેવા સાંખ્યયોગી બાશ્રી સંતોકબાના જીવનનો ટૂંક પરિચય પણ સત્સંગની બાઈઓને પ્રેરણારૂપ થાય તે માટે નાની પુસ્તિકા રૂપે છપાવેલો. (સં. ૨૦૧૮, ઇ. સ. ૧૯૬૨)
વળી, આ બધાં પુસ્તકો દીવાનખંડની શોભા માટે કે સ્ટોર રૂમમાં મૂકી રાખવા માટે નથી, આ તો નિત્ય સ્મરણના -શ્વાસોશ્વાસ જેટલા જરૂરી છે - તેમ જણાવી એવી રીતે હેતવાળા હરિભક્તોને વ્યવસ્થિતપણે પહોંચાડવામાં આવતા કે એકેએક પુસ્તક ઉપયોગમાં આવે. પુસ્તક/પુસ્તિકા છપાય ને ૨૦૦૦-૩૦૦૦ નકલો ૩-૪ માસમાં તો ઘરેઘર પહોંચી ગઈ હોય.
સોમચંદભાઈના જીવનમાં જે ચીવટ સહજ થઈ ગઈ હતી, તે જ ચીવટથી આ પુસ્તકોની વહેંચણી પોતે કરાવતા, તેના જે પૈસા ભેગા થાય તેનો હિસાબ તેટલી જ ચોકસાઈથી રાખતા, ને એ રકમ ને પુસ્તકોનો વધુ ને વધુ સારો ઉપયોગ થાય તે માટે સજાગતા રાખતા.
આ સાહિત્યસેવા ઉપરાંત, સદગુરુ શ્રી કેશવપ્રિયદાસજી મુનિ સ્વામીએ જે જે પુસ્તકો છપાવ્યાં - રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાયુક્ત વચનામૃત, અનાદિમુક્ત ચરિત્રામૃત, શિક્ષાપત્રી - રહસ્ય- વગેરે, વચનામૃત-ધ્યાન - તે ઉપરાંત મૂળીના સ. ગુ. પુરાણી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીકૃત શ્રીહરિ ઉપાસના ચિંતામણિ - આદિક ગ્રંથોના છાપકામમાં પ્રેસમેટર તૈયાર કરાવવી, પ્રૂફો સુધારવા વગેરે સર્વે કામમાં સોમચંદભાઈ એકચિત્તપણે જોડાઈ જતા.
આ બધાં પુસ્તકોથી સાહિત્ય સેવા તો કરી જ, પણ સોમચંદભાઈનું પોતાનું જીવન જ એક મહાન સદગ્રંથસમું હતું. એમના જીવનનો એક એક દિવસ, એક એક કલાક જાણે જીવનગ્રંથનાં પૃષ્ઠો હતાં, હરેક પૃષ્ઠોમાંથી પ્રેરણા પીયૂષ પીવા મળતું. પોતાના જીવનની એકેએક ક્ષણ, એકેએક ઘડી-પળ, પોતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતારૂપ સેવાકાર્યમાં ન્યોચ્છાવર કરી દીધી હતી.