ગઢડા મધ્ય : ૪૬

જેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય વૃદ્ધિ થતી દેખીને હર્ષ-શોક ન થાય અને મોક્ષના માર્ગમાંથી પાછો પડે ત્યારે ખરખરો થાય તેને સત્પુરુષ કહ્યા છે. અમે એકાંતિક ભક્તના ધર્મ પ્રવર્તાવવાને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થઈએ છીએ. અમારો કે અમારા સંત એટલે સિદ્ધ મુક્તનો અભાવ આવે તે એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો, ને એ જ એનું મરણ છે. તે જો અમારે વિષે ને અમારા મુક્તને વિષે ક્રોધ પરઠીને અભાવ લે, તો તેને સર્પ જાણવો; અને જો અમારે કે અમારા મુક્તને વિષે કામ પરઠીને અભાવ લે તો તેને યક્ષ રાક્ષસ જાણવો અને તે ધર્મવાળો કે તપસ્વી હોય તો દેવલોકને પામે પણ અમારા ધામને તો ન જ પામે. પંચ મહાપાપીને પણ જો અમારો કે અમારા બત્રીસ લક્ષણે યુક્ત સંતનો અવગુણ ન આવ્યો હોય તો એનાં પાપ નાશ થાય ને અમારા અક્ષરધામને પામે. (૧૭૯)