આપણું બેસતું વર્ષ : ૧૧
નવીન વર્ષ દિન આજનો, ઉત્તમ પર્વ ગણાય;
અવસર ઉત્તમ જાણીને, સૌ જન આવે જાય. ૧
ચંદન છાંટ્યા ચોકમાં ભભકે ઘર ને દ્વાર;
ધજા પતાકા તોરણે, શોભે ભુવન અપાર. ૨
અવિનાશી આવ્યા આંગણે, ધર્મકુંવર હરિરાય;
હર્ષભર્યા હરિજન જુવે, જય જય મુખથી ગાય. ૩
પાઘ સોનેરી શિર પરે, છોગું મુગટ અનુસાર;
ચંદન ચર્ચ્યા ભાલમાં, કુમકુમ ચંદ્ર ઉદાર. ૪
તોરા બાજુ કપૂરના, અર્પ્યા હેત સહિત;
મૂર્તિ ઉતારે મીટથી, નિરખે થઈ પુલકિત. ૫
જોતા સૌ નયણા ભરી, કોટિ ભુવન શિરતાજ;
દિવ્યરૂપ મૂર્તિ સદા, તેજોમય મહારાજ. ૬
વિધ વિધ વાજાં વાગતાં, ઢોલ ત્રાંસા શરણાઈ;
મૂર્તિ મનોહર જોઈને, સૌ બોલે હર્ષ વધાઈ. ૭
પ્રીતમ પધાર્યા આંગણે, મંગળ વર્ષ શુભ દિન;
મંગળકારી મહાપ્રભુ, ધન્ય ધન્ય વર્ષ નવીન. ૮
મંગળ વર્ષના ઉત્તમ દિવસે શ્રીહરિની સ્મૃતિએ સહિત આપ મુક્તમંડળ સહકુટુંબ સર્વેને સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.