પંચાળા : ૪

વેદાદિકને દૃષ્ટાંતે પોતાનું સનાતન અનાદિ દિવ્ય સ્વરૂપ અક્ષરધામમાં રહ્યું છે તેનું અવર્ણનીયપણું તથા અગોચરપણું કહ્યું છે, જે માયિક આકાર માત્રમાં અમારા તુલ્ય કોઈમાં રૂપ આદિક નથી અને અમારા ધામજેવું કોઈનું સ્થાનક નથી અને અમારા ધામને વિષે અમારા ભક્તોને જેવું સુખ છે તેવું કોઈને સુખ નથી અને અમારા જેવો કોઈનો આકાર નથી. પ્રકૃતિ થકી થયા જે આકાર તે માયિક છે અને અમે ને અમારા મુક્ત દિવ્ય છીએ. જેમ મનુષ્યને ભેંશ આદિકની ઉપમા દેવી તે અઘટિત તેવી રીતે અમને પ્રકૃતિના કાર્યની ઉપમા દેવી તે અતિશય અઘટિત છે. જેમ મનુષ્યો સજાતિ છે તેમાં પણ સાદૃશ્યપણું નથી, તેમ માયાથી પર ઈશ્વટકોટિ, બ્રહ્મકોટિ તે દિવ્ય, સજાતિ ને ચૈતન્ય છે તો પણ તેમાં ને અમારામાં કાંઈ સાદૃશ્યપણું નથી. જેમ ભગો મૂળો સરખા છે તેમ અમારા ધામમાં અમારા મુક્ત અમારા સરખા છે તેમાં પણ અત્યંત સાદૃશ્યપણું નથી તો ઉપર કહ્યા જે ઐશ્વર્યાર્થીઓ તેમાં સાદૃશ્યપણું ન હોય તેમાં શું કહેવું ? અને માયિક આકારમાં તો સાદૃશ્યપણું હોય જ ક્યાંથી ? એવા દિવ્ય ને સર્વને અગોચર અમે અક્ષરધામમાં રહ્યા છીએ અને રાજાધિરાજ ને અસંખ્ય સમૃદ્ધિ તથા પાર્ષદો તેમણે યુક્ત ને અનંત કોટિ બ્રહ્માંડના પતિ છીએ અને તે બ્રહ્માંડોના પતિઓ તે અમને ભજે છે ને અમારી આજ્ઞામાં વર્તે છે ને પ્રાર્થના કરે છે. ત્યારે અમે જ્યાં જેમ જેમ ઘટે ત્યાં તેમ અમારી ઇચ્છાથી દર્શન આપીએ છીએ અને યુગાનુરૂપ આચરણ કરીએ છીએ, આવો અમારો દિવ્યભાવ ને મનુષ્યભાવ યથાર્થ જાણ્યો હોય તેને અમારા નિશ્ચયમાં સંશય થાય નહિ. દિવ્યરૂપ એવા અમે તે મનુષ્યરૂપ ધારીએ છીએ ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તીએ તે અમારો મનુષ્યભાવ ને દિવ્યભાવ તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે ને તેને જ અમારો નિશ્ચય થાય છે. અમે દિવ્યભાવે સહિત દર્શન આપીએ તો મનુષ્યને દર્શન, સ્પર્શાદિકનું સુખ ન આવે ને કલ્યાણનો નિશ્ચય ન થાય, જેમ સૂર્યને અગ્નિને દર્શને સુખ નથી થતું તેમ. માટે અમે તમારા કલ્યાણને અર્થે દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા દેખાઈએ છીએ, અને તે કોઈક સ્થળમાં દિવ્યભાવ જણાવીએ છીએ, જેમ શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મને જણાવ્યો તેમ. માટે અમારો દિવ્ય ને મનુષ્યભાવ જાણ્યો હોય તેને અમારા ચરિત્રમાં સંશય થાય નહિ ને નિશ્ચય ડગે નહિ, નહિ તો ટળી જાય. (૧૩૦)