ગઢડા છેલ્લું : ૭

જેને કલ્યાણ ઇચ્છવું હોય તેણે અમને ને અમારા સંતને જ સુખદાયી જાણીને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ રાખવી, અમારા ભક્તનો પક્ષ રાખવો, તેમનો અભાવ આવવા દેવો નહિ ને તેમના જેવું બીજું કોઈ વહાલું રાખવું નહિ, તો અતિ બળવાન જે કામાદિક શત્રુ તે પરાભવ કરી શકે નહિ. બ્રહ્મપુર જે અમારું અક્ષરધામ તેને વિષે અમે સદા સાકાર મૂર્તિમાન વિરાજમાન છીએ. અમારા ભક્ત પણ ધામમાં મૂર્તિમાન છે ને અમારી સેવા કરે છે. એવા પ્રત્યક્ષ પ્રમાણ અમને જાણીને જેણે અમારો આશરો કર્યો હોય તે અમારા ધામને પામે. જે ભક્ત પોતાના મનને અમારા ચરણારવિંદને વિષે એટલે મૂર્તિને વિષે દૃઢ કરીને રાખે તે છતે દેહે જ અમારા ધામમાં પામી રહ્યો છે. (૨૪૧)