૭. હૈડે હૈડે હરિજી સ્થાપિયા ! ( વિભાગ - ૧)
કહે છે કે ભમરી ઈયળને ઝાલી લાવે છે, તેને ચટકો મારે છે અને સતત તેની આસપાસ ગુંજારવ કરે છે - તે પ્રક્રિયાથી ઈયળનું સમૂળગું પરિવર્તન થઈ જાય છે, ને ઈયળમાંથી ભમરી બની જાય છે. ભમરીના વિકાસની આ જુદી જુદી વૈજ્ઞાનિક અવસ્થાઓ ઉપરથી સદ્શાસ્ત્રોએ ‘કીટ-ભ્રમર-ન્યાય’ - ઈયળમાંથી ભમરીમાં થતા રૂપાંતરની પ્રક્રિયા - સરસ રીતે સમજાવી છે. ભગવાન કે ભગવાનના મુક્તરૂપી ભમરી મુમુક્ષુરૂપી ઈયળને ઝાલે છે, તેને ભગવદ્સ્વરૂપની સાચી ઓળખાણ રૂપી ચટકો મારે છે, અને એ મુમુક્ષુને સતત સંપોષણ કરવા રૂપી ગુંજારવ કરી - અંતે તે મુમુક્ષુનું સમૂળગું રૂપાંતર કરે છે - જીવમાંથી શિવ(=મુક્ત) થાય છે, નિરાકારમાંથી દિવ્ય સાકાર બને છે, આમ મુક્તના યોગે મુક્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ભગવાન અને ભગવાનના મુક્તની કરુણાભરી અમૃત નજર નીચે થાય છે.
પંખી ઈંડું મૂકી તેને સેવે છે. તેમાંથી બચ્ચું જન્મે છે, પંખી તેનું સતત ધ્યાન રાખે છે, ખવરાવે છે, પોષે છે, અને જ્યાં સુધી તે બચ્ચું પંખીના જેવું જ ‘પાંખ-ભર’ થતું નથી ત્યાં સુધી તેની સંભાળ તે પંખી લે છે. તેવી રીતે પોતાના યોગમાં આવેલા મુમુક્ષુઓનું મુક્તો સતત સેવન કરે છે, પોષણ કરે છે, અને મુમુક્ષુ અંતે મુક્તના જેવા મુક્ત બને ત્યાં સુધી તેની સ્નેહાર્દ્ર સંભાળ લે છે.
મુમુક્ષુઓને મૂર્તિસ્વરૂપ કરી મૂર્તિમાં જોડી દેવા રૂપી મહાયજ્ઞમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સોમચંદભાઈને પ્રયોજ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને સોંપેલું આ કાર્ય સોમચંદભાઈએ મહાપથારી સુધી અવિરતપણે કર્યું છે.
અ. મુ. સદગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અને સદગુરુશ્રી વૃંદાવનદાસજી સ્વામીના સંતમંડળ સાથે સોમચંદભાઈ ગામડે-ગામડે ફરતા. સદગુરુઓએ દેહલીલા બંધ કર્યા પછી તેઓ અ. મુ. સદગુરુ પુરાણી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (મુનિ સ્વામી) સાથે ગામડામાં જઈ હરિભક્તોને રાજી કરતા. ખૂબ જ નિર્માનીપણું, સંતનો અનહદ મહિમા, કથા-વાર્તાનું અનેરું અંગ. સભામાં શ્રીજીમહારાજના અલૌકિક મહિમાની તથા દિવ્ય પ્રતાપની એવી તો વાતો કરે કે સાંભળનારાના જીવમાં રહેલી અણસમજણ સમૂળી જતી રહે, સ્વાભાવિક દોષો ટળી જાય, શ્રીહરિજીમાં હેત વધે, સત્સંગમાં સેવાભાવનું અંગ વધે, જીવમાં ખરેખરો નિશ્ચય થાય. આવી દિવ્ય વાતો સાંભળી હરિભક્તો ખૂબ જ રાજી થતા. ત્યાંથી બીજે ગામ જાય; અને જ્યાં જ્યાં જાય ત્યાં આવી એક જ ધારી અલૌકિક રીતથી સર્વે હરિભક્તોના અંતરમાં હેત ઉપજે. ફરી જોગ-સમાગમ કરવા પત્ર લખીને તેડાવવા આગ્રહ કરે. સૌના હેતને વશ થઈ વારંવાર મળી લાભ આપતા.
મૂર્તિનો સંબંધ અખંડ રાખવા અબજીબાપાશ્રીની દિવ્ય વાણીનું સ્મરણ કરાવે : ‘‘મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવું, મૂર્તિ ભૂલીને કોઈ ક્રિયા ન કરવી, મૂર્તિ સાથે હોય તો સાધન બધાં સિદ્ધ થશે, મૂર્તિ ભેળું અક્ષરધામ છે, અનંત મુક્તો છે, મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે, મૂર્તિમાં મુક્ત કિલ્લોલ કરે છે, મૂર્તિ ભૂલીને હલર-વલર ન કરવું, મૂર્તિમાં સુખમાત્ર રહ્યાં છે, મૂર્તિ સૌનું કારણ છે, મૂર્તિ સર્વત્ર છે, અક્ષરધામની મૂર્તિ, ધર્મભક્તિના કુંવર મનુષ્યરૂપ મૂર્તિ ને હાલ પ્રતિમારૂપે બિરાજતું સ્વરૂપ એ ત્રણેય એક જ છે, દેહ મૂકીને પામવા હતા તે છતે દેેહે મળ્યા છે, આ સમયે શ્રીજીમહારાજ ન્યાલકરણ પધાર્યા છે, કોઈ મૂર્તિ લ્યો ! મૂર્તિ લ્યો ! અમારે ઘેર મૂર્તિનો વેપાર છે. મૂર્તિ ભૂલીને કાર્યમાં ભડાભૂટ કરવી નહિ, કારણનું મંથન કરવું, કારણે બાઝવું, એ મૂર્તિના સુખનો આનંદ લેવો અને મૂર્તિનો વિશેષ સંબંધ રહે એમ વર્તવું, મૂર્તિનું વિશેષ બળ રાખવું એ જ સત્સંગમાં સત્સંગ છે.’’ આ રીતે ચૈતન્યમાં મૂર્તિનો અખંડ આલોચ રાખવા જ સૌને ભલામણ કરતા. સત્સંગમાં ઠેરઠેર ફરી પોષણ આપ્યા જ કરે.
ગમે ત્યારે તેમનાં દર્શને જાવ, કાંઈક લખતા હોય, વાંચતા હોય, વાર્તા કરતા હોય, હરિભક્તોને રાજી કરતા હોય; પણ નવરા હોય, બેસી રહેલા હોય કે આરામ કરતા હોય એવાં દર્શનનો લાભ તો કોઈને ય મળવો મુશ્કેલ હતો !
આજે વાંટાવદર હોય તો કાલે ઘાંટીલા. ત્યાં હરિભક્તોની તાણ પૂરી કરી ન કરી ને માલણિયાદ પહોંચી જાય. ત્યાં અ. મુ. ચતુરભાઈને સાથે પધારવા વિનંતી કરે અને એ જોડ રામપુરામાં આવે. ત્યાં કથા-વાર્તા, ઉત્સવ-કીર્તન, ધામધૂમ કરી સમૈયા જેવી ઝલક લાવી દે. વળી જાય સાયલા ત્યાં થોડું-ઝાઝું પીરસી પધારે મૂળી. ત્યાં સદગુરુ શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, સદગુરુ ધર્મકિશોરદાસજી સ્વામી વગેરે તથા બહારગામથી પધારેલા સદગુરુ દેવજીવનદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, આદિ નાના-મોટા સંતોને રાજી કરે. હરિભક્તોની તાણ પૂરી કરવા વિનંતી કરે. સંતોને ગામડાંઓમાં સાથે તેડી જાય, અમૂલખ દિવ્ય લાભ લે, પીરસે અને તાણ કરી પીરસાવે ! હળવદ, ધ્રાંગધ્રા, ટીંબા, ખોલડિયાદ, ચાણપર, માળોદ, લીંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર, વઢવાણ, લુણસર, રાજકોટ, મોરબી, વગેરે સ્થળે - જ્યાં જ્યાં હેતવાળા હરિભક્તો હોય ત્યાં ત્યાં ફરી ફરીને તાણ પૂરી કરે.
આથમણી બાજુ વાદળ ચડ્યું હોય ને વરસતું હોય ત્યારે ઉગમણી બાજુના ખેડૂતો આથમણી નજર કરી વિચારે કે પવન ચડે ને વાદળને આ બાજુ ખેંચી લાવે તો આપણે ય વાવણી ચાલુ કરી દઈએ, વાવેલો મોલ પણ વકરે ! કલ્પતરુ સમા આ મુક્ત અંતર્યામીપણે કોઈ હરિભક્તની તાણ જાણી ત્યાં ય પહોંચી જાય. વીરમગામ, પાટડી, જરવલા, મણિપરા, જોશીપરા, કડી, કમળાપુર વગેરે ગામોમાં મૂર્તિ રસનો મેહ વરસાવી, વીલાતા મોલને લહેરાતો કરી દે !
દૂર દૂર પણ મેહના વાવડ સાંભળી, ખેડૂતો આતુર બને કે થોડા દિવસમાં આપણે ય વરસાદ ભેળા થઈશું ! એમ જમિયતપુરા, ઝુંડાલ, સરસપુર, દરિયાપુર, કાળુપુર, નારણપુરા, ઉસ્માનપુરા, વાડજ, પાલસડી - એમ બધે ય આ સુખનું વાદળ સોમચંદભાઈ ફરી વળે. અરે ! વરસે ત્યારે વાડામાં ય વરસે. એ રીતે, રસ્તામાં જતાં-આવતાં ઝાડ, પશુ-પંખી તથા ભાવે-કભાવે દર્શન કરે તે સર્વેને ન્યાલ કરતા, તો તાણ રાખીને જે જોગ કરે તેના ભાગ્યનો પાર શી રીતે પમાય ? મુંબઈ, વડોદરા, પંડોળી, આણંદ, નડિયાદ, પીજ, શિહોર, ભોપાળ, ઝરિયા, ધનબાદ, કલકત્તા, દક્ષિણ ભારતમાં સિકંદરાબાદ, રાયપુર - આમ ચારે કોર, ક્યાંયના ક્યાંય દૂર દૂર સુધી ગામડામાં, શહેરોમાં, ઠેરઠેર ફરી શ્રીહરિજીની દિવ્યમૂર્તિના સુખની, અનાદિ મુક્તની સ્થિતિની રસલહાણી કરી સૌના સંકલ્પો પૂરા કરી, સત્સંગમાં આનંદના પૂર ઉમટાવ્યા. અતિ વર્ષાથી નદીઓ જેમ ગાંડીઘેલી થઈ ગમે તેમ ઘૂમી સમુદ્રમાં પહોંચવા ઉતાવળી બને તેમ આ બધા મુમુક્ષુઓની દોટ ગઢડા, વડતાલ, છપૈયા, શ્રીનગર, ભૂજ, મૂળી, વૃષપુર, વગેરે દિવ્ય ધામોમાં - આવીને ઠરે. મહાસાગરોમાં મોજાં ઊછળે એમ આનંદોત્સવ, કથા-વાર્તા, કીર્તન-રાસ-પ્રસાદીરૂપ મોજાં ઊછળે ! ભાગ લે તેના આનંદનો પાર નહિ, પણ દર્શન કરે તેનાં ય ભાગ્ય ઊઘડી જાય. વળી, પાણીના ઘૂમરા વળે ને જે લાગમાં આવે તે તળિયે પહોંચી જાય, તેમ ઘૂમરારૂપ પ્રત્યક્ષ જોગમાં આવી ચોંટી પડે તે તો છેક મૂર્તિના સુખમાં ઊંડે ઊતરી જ જાય, સુખની ખુશબોમાં ખેંચાઈ જ જાય. એના સુખ અને આનંદની અવધિ છેટે રહેલા શું જાણે ?
સત્સંગમાં કોઈ નવા હરિભક્ત હોય તો તેનું સત્સંગમાં અંગ પાકું થાય તે માટે પોતે ખટકો રાખી અવારનવાર તેની મુલાકાત લે. પત્રવ્યવહાર ચાલુ રાખે અને નજીકમાં કોઈ સારા હરિભક્ત હોય તો તેમની મુલાકાત કરાવે. અરસપરસ હેતભાવ વધારી દિવસે દિવસે સત્સંગનો ચડતો રંગ થાય તે માટે ખૂબ ધ્યાન રાખે. પત્રમાં શ્રીહરિના મહિમાનાં એવાં દિવ્ય વચનો લખે કે તેને સત્સંગમાં આતુરતા વધે.
સોમચંદભાઈનું પત્રલેખન એટલે એમના જીવનનું દર્પણ. દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય તેમ સોમચંદભાઈના પત્રોમાં તેમનું સમગ્ર વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય. બીજા કોઈએ લખેલાં ત્રણ પોસ્ટકાર્ડમાં સમાય તેટલી માહિતી એક પોસ્ટકાર્ડમાં લખે. ઝીણામાં ઝીણા અક્ષરે લખી શકે તેવી ફાઉન્ટનપેનની ટાંક. સહેજ પણ ખાલી જગા ન રહે, તે છતાં સુસ્પષ્ટ અને મુદ્દાસરનું લખાણ. ભગવાનના બળની વાતો, ભગવાનના નિશ્ચયની વાતો, આપણને ભગવાને કેવા ન્યાલ કર્યા છે તેની વાતો એટલી સુંદર રીતે લખી હોય કે એમ જ લાગે કે જાણે સદ્બોધના ભંડાર. પોતે છપાવેલાં પુસ્તકોની વહેંચણી અંગે કે તેના હિસાબ અંગે કે કોઈએ કોઈ જગ્યાએ સેવા કરાવવા આપેલી રકમના હિસાબ અંગે એવું વિગતવાર ચોખ્ખું લખાણ કે કોઈ જાતની કચાશ ન રહે. સહેજ પણ સમજફેર ન થાય તેવું લખાણ. વળી જેમને ઉદ્દેશીને પત્ર લખ્યો હોય તેમના કુટુંબના નાના-મોટા-વૃદ્ધ-પરિચિત સૌ કોઈ સ્નેહીજનોના નામ સાથે યથાયોગ્ય અભિવાદન હોય જ.
આટલા ઝીણા અક્ષરોથી મુદ્દાસર લખાણ કરેલ હોય તેની કોપી કરવી હોય તો ય કલાક લાગે ! એવા પાંચ-છ કાગળ રોજ લખતા જ હોય ! એમની જીવનચર્યા તપાસીએ તો એમ જ લાગે કે સોમચંદભાઈના જીવનની પળેપળ શ્રીહરિની ઇચ્છાથી અન્યના કલ્યાણ માટે જ નિર્માણ થયેલી હતી.
એમણે લખેલા બધા પત્રો તો સચવાયા ન હોય તે સ્વાભાવિક છે, પણ જે પત્રો સચવાયા છે તે બધાનો સુયોગ્ય અભ્યાસ કરવામાં આવે તો એમનું સમગ્ર જીવન તો તાદૃશ્ય થાય જ, પણ સત્સંગના અન્ય મુક્તોના જીવન અંગેની પણ ઘણી માહિતી ઉપલબ્ધ થાય. એમાં બહુમૂલો ઉપદેશ અઢળક છે, એમાં હિંમતનાં વચનો છે, ધીરજની વાતો છે, શિખામણ છે, વાત્સલ્યનો અમી છંટકાવ છે, સમ્યક્ જ્ઞાનના ઢગલા છે. બગીચાનો માળી જેમ બાગમાંના એકેએક છોડ માટે સચિંત રહે છે, અને તેની માવજત કરતો જ રહે છે, તેમ સત્સંગ બગીચાના મુમુક્ષુરૂપી છોડને પત્રોની માવજતથી પોષવામાં સોમચંદભાઈ જેટલા સચિંત પુરુષો જવલ્લે જ મળે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના શરણે આવેલો એક પણ જીવ પાછો તો ન જ પડવો જોઈએ, પણ એ આધ્યાત્મિક માર્ગે નિત્યે આગળ કેમ વધતો રહે તેનો ખટકો સોમચંદભાઈના સર્વે પત્રોમાં નિતાંત જણાઈ આવે છે.
સોમચંદભાઈના પત્રોની પ્રસાદી પામેલા સૌ કોઈનું જીવન અધ્યાત્મમાર્ગનાં ઊંચાં ને ઊંચાં શિખરો સર કરતું રહ્યું છે, ને એ જ સોમચંદભાઈની સજાગ મહેનતની ફળશ્રુતિ છે. એમના પત્રોમાંથી આચમનરૂપ તારવેલ અવતરણ આ પુસ્તકમાં અલગ પ્રકરણમાં સર્વહિતાર્થે સામેલ કર્યું છે; તેના અભ્યાસ પરથી વાચકને આ બાબત જણાઈ આવશે.
સોમચંદભાઈનું સમગ્ર વિચરણ શ્રીહરિપ્રસન્નતાર્થે અનેક જીવોને શ્રીજીસ્વરૂપમાં જોડવા માટે જ હતું. કોઈ ઠેકાણે ‘હાશ’ કરીને બેઠા નથી, દેહને કદાપિ ગણકાર્યો જ નથી, પગના ઢીંચણમાં વાની અતિશય તકલીફ, પણ સત્સંગ સેવામાં તેને આડી આવવા દીધી નથી, રાત જોઈ નથી, ટાઢ જોઈ નથી, ઊંઘ પૂરી થઈ કે નહિ તે જોયું નથી કે ભોજન બરાબર થયું કે નહિ તે ગણકાર્યું જ નથી. સદાય હસતા ને હસાવતા, આનંદની છોળો ઉછાળતા. મૂર્તિના આનંદનો આજુબાજુના સૌને કેફ લગાડે !