પત્ર : ૯૩
આવું જ્ઞાન સાંભળે છે તો પણ સાધનવાળાને જોગે મૂર્તિનું દિવ્ય સુખ લઈ શકતા નથી. બાપાશ્રી કહે છે કે આ હીરો દિવ્ય છે, તેના માલમી હોય તેને ખબર પડે. ક્યાં મહારાજ ! ક્યાં અનાદિ ! આ તો ન બનવાની વાત બની ગઈ છે. આજ તો રોકડું કલ્યાણ છે. વચનામૃત શ્રીમુખ વાણી છે, બધાય વાંચે છે, પણ પોતાની સ્થિતિ પ્રમાણે એ દિવ્ય વચન સમજાય. માટે પાત્ર થવાની ભલામણ મહારાજ તથા અનાદિ વારે વારે કરે છે. મહારાજે પોતાનું દૃષ્ટાંત આપી વાત કરી જે કાંકરીએ મોટો યજ્ઞ કર્યો, લાખો મુમુક્ષુઓને દિવ્ય દર્શન થયાં, પણ અમે તો એ પ્રવૃત્તિ વિસારવા માટે ચાલી નીકળ્યા, તેમાં શ્રીહરિના આશ્રિતોને શિખડાવ્યું કે બધું વિસારી મારી મૂર્તિમાં જોડાવું. સત્સંગમાં અનેક પ્રકારની આજ્ઞાઓ છે તેમાં બધી પ્રવૃત્તિ વિસારી મહારાજની આવી રહસ્ય ને સિદ્ધાંતવાળી આજ્ઞા પાળવી, જેમાં બધુંય આવી જાય.