ધ્યાનના શ્લોકો

यस्तिष्ठेदेकपादेन वायुभक्षः शतं समाः ।

ध्यानयोगीपरस्तस्मादिति ब्रह्मानुशासनम्‌।।१।।

અર્થ :- જે પુરુષ જે તે વાયુનું ભક્ષણ કરતો થકો સો વર્ષ પર્યંત એક પગે કરીને ઊભો રહે તે થકી પણ ધ્યાનયોગી જે ધ્યાને કરીને નિરંતર ભગવાનના યોગનો રાખનારો ભગવાનનો ભક્ત તે જે તે શ્રેષ્ઠ છે. એવી રીતે બ્રહ્માનું આજ્ઞાવચન છે.।।૧।।

अश्वमेधसहस्त्रेण राजसूयशतेन च ।

पुंडरीकसहस्त्रेण योगिश्ववसथो वरः।।२।।

અર્થ :- અને એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા; એક સો રાજસૂય નામે યજ્ઞ કરવા તથા એક હજાર પુંડરિક નામે યજ્ઞ કરવા તે થકી પણ યોગી જે ભગવાનના ધ્યાન યોગને કરનારા ભક્તજન તેમને વિષે નિવાસ કરવો તે શ્રેષ્ઠ સમય છે. કેમ જે તેમના સમાગમે કરીને તેમના જેવા ગુણ આવે છે.।।૨।।

ध्याता ध्यानं तथा ध्येयं सच्च ध्यानप्रयोजनम्‌ ।

एतच्चतुष्टयं ज्ञात्वा योगं युजीत तत्ववित्‌।।३।।

અર્થ :- અને ધ્યાતા જે ધ્યાનનો કરનારો પોતાનો જીવાત્મા તથા ધ્યાન જે ધ્યાન કરવાનો પ્રકાર તથા ધ્યેય જે ધ્યાન કરવા યોગ્ય એવું ભગવાનનું સ્વરૂપ તથા તે ધ્યાનનું પ્રયોજન જે ભગવાનને વિશે સર્વ વૃત્તિનો નિરોધ થાય એ જે ચાર વાનાં તેને યથાર્થ જાણીને પછી પરમેશ્વર એવા જે પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપને યથાર્થ જાણનારો જે યોગી તે જે તે ભગવાનના ધ્યાનયોગને કરે.।।૩।।

गछंस्तिष्ठन्‌ स्वपन्‌ जागृन्नुन्मिषन्निमिषन्नपि ।

शुचिर्वाप्यशुचिर्वापि ध्यायेत्‌ सततमीश्वरम्‌।।४।।

અર્થ :- હવે ધ્યાન કરવાના પ્રકારને કહે છે. ધ્યાનનો કરનારો જે ભક્તજન તે જે તે ચાલતો થકો, બેઠો થકો, સૂતો થકો, જાગતો થકો, પોતાના નેત્રને ઉઘાડતો થકો, મીંચતો થકો, પવિત્રપણે રહ્યો થકો, અપવિત્રપણે રહ્યો થકો પણ પરમેશ્વર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરંતર ધ્યાન કરે. કેવી રીતે, તો તે ભગવાનનાં ચરણારવિંદ આદિક એક એક અંગ તેનું પૃથક્‌ પૃથક્‌ ધ્યાન કરે અથવા સમગ્ર મૂર્તિનું ભેળું ધ્યાન કરે.।।૪।।

अहं ब्रह्म परं ब्रह्म वासुदेवोति मत्प्रभुः ।

हृदीत्थं भावयन्‌ शश्वत्‌ ध्याता ध्यानं प्रयोजयेत्‌।।५।।

અર્થ :- હવે ધ્યાતા ને ધ્યેયને જાણવાની રીત કહે છે. ધ્યાતા જે ધ્યાનનો કરનારો ભક્ત તે પોતાને એમ જાણે જે હું જે તે બ્રહ્મ છું કે’તાં અક્ષરબ્રહ્મ સાથે એકત્વભાવને પામ્યો છું અને ધ્યેય જે ભગવાન તેને એમ જાણે જે અતિ સમર્થ એવા મારા સ્વામી જે વાસુદેવ ભગવાન તે પરબ્રહ્મ કે’તાં અક્ષરધામ થકી પણ સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્યાદિક કરીને અતિ ઉત્કર્ષપણે વર્તે છે એવી રીતે પોતાના મનને વિષે નિરંતર ભાવનાને કરતો કે’તાં વિચારને કરતો થકો નિરંતર તે ભગવાનના ધ્યાનને કરે.।।૫।।

ध्यानात्‌ शांतो जपेन्मंत्रं जपन्‌ शांतिश्च चिंतयेत्‌ ।

जपध्यानप्रसक्तस्य विष्णुः शीघ्रं प्रसीदति।।६।।

અર્થ :- એવી રીતે ધ્યાન કરતા થકા તે ધ્યાન થકી થાકે ત્યારે તે ભગવાન નામનો અથવા અષ્ટાક્ષર મંત્રનો જપ કરે અને તે જપને કરતો થકો થાકે ત્યારે વળી તે ભગવાનનું ધ્યાન કરે અને એવી રીતે ધ્યાન અને જપ તેને વિષે આસક્ત થયો એવો જે ભક્ત તેની ઉપર એ ભક્તના અંતર્યામી એવા જે ભગવાન તે જે તે તત્કાળ પ્રસન્ન થાય છે કે’તાં એ ભક્તના એવા ધ્યાનના આગ્રહને જાણીને તેને પોતાની મૂર્તિનું સાક્ષાત્‌ દર્શન આપે છે અને તે મૂર્તિને વિષે એ ભક્તના ચિત્તનો નિરોધ થાય છે અને એવી રીતે જે ચિત્તનો નિરોધ થાય તે ધ્યાનનું પ્રયોજન છે.।।૬।।

वेदैस्तूक्ता सर्वयज्ञक्रियास्तु यज्ञाज्जप्यं ज्ञानमाहुश्च जप्यात्‌ ।

ज्ञानाद्‌ध्यानं संगरागादपेतं तस्मिन्प्राप्ते शाश्वतस्योपलंभः।।७।।

અર્થ :- અને સર્વ યજ્ઞની જે ક્રિયાઓ જે તે વેદ તેમણે કહી છે અને તે યજ્ઞ થકી પણ જપવા યોગ્ય એવા જે ભગવાનના મંત્ર તે અધિક છે અને તે મંત્ર થકી પણ જ્ઞાન જે ભગવાનના માહાત્મ્યને જાણવું તે અધિક છે અને માયિક પદાર્થના પ્રસંગે કરીને થયો જે તે પદાર્થને વિષે રાગ તેણે રહિત એવું જે ધ્યાન તે જે તે જ્ઞાન થકી પણ અધિક છે અને એવા ધ્યાનની પ્રાપ્તિ થયે સતે અનાદિ સિદ્ધ એવું જે ભગવાનનું સ્વરૂપ તેની પ્રાપ્તિ થાય છે કહેતાં તે ભગવાનની મૂર્તિ સાક્ષાત્‌ દેખાય છે. અને તે મૂર્તિને વિષે ધ્યાનના કરનારાના ચિત્તનો નિરોધ થાય છે એ ધ્યાનનું પ્રયોજન છે અને ફળ પણ એ જ છે.।।૭।।

એવી રીતે મહારાભારતના શાંતિ પર્વના મોક્ષ ધર્મમાં કહ્યું છે.