વાત : ૩૦૧

અને ‘‘कर्मात्मकं येन शरीरबन्धः’’ (અર્થ :- સકામ કર્મ શરીરના બંધનરૂપ છે.) એ શ્લોકની વાર્તા કરી જે જીવ જે તે પ્રથમ દેહાભિમાને યુક્ત થકો પંચ વિષય સંબંધી ક્રિયાને જેમ મમત્વે સહિત કરે છે ને તે પછી સત્સંગ કરીને જે જીવરૂપે પોતાને માનીને શ્રીજીમહારાજને અર્થે તેવો જ મમત્વ રાખીને નવધા ભક્તિ અતિશય કરે ને તેમના ભક્તની પણ મમત્વ રાખીને સેવા ચાકરી કરે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે. તે પછી સત્તારૂપ થઈને વારંવાર ઉપશમ કરીને જલના ફુવારાની પેઠે અનેક પ્રકારે થઈ જે ઇંદ્રિયોની વૃત્તિઓ તેનું પિંડીકરણ વારંવાર કર્યા કરે ત્યારે એ જીવને અતિશય બંધનરૂપ જે કારણ શરીર તે નાશ થઈ જાય છે. તે ઉપર આ ત્રણ વચનામૃત વંચાવીને વાર્તા કરી તે ત્રણ વચનામૃતના નામ (૧) મધ્યનું ૫૦મું રહનસ્યું ને (૨) મધ્યનું ૪૫મું જે સાધુ, બ્રહ્મચારી, અયોધ્યાવાસી ને ગૃહસ્થ એ સર્વે તમે ખબડદાર રહેજો ને (૩) અમદાવાદનું બીજું જે નાહી ધોઈને પૂજા કરવી.।।૩૦૧।।



ટિપ્પણી

પિંડીકરણઃ જુઓ વાત ૨૮૯.