વાત : ૩૭૦

અને શબ્દ, રૂપ, રસ ને ગંધ એ જે પંચ વિષય છે તેનો પણ જીવમાંથી અભાવ કરવો. એ એમ વિચાર કરવો જે શબ્દ છે તેને સાંભળી સાંભળીને મરી ગયા તો પણ તૃપ્તિ તો થઈ નથી. ને તે શબ્દમાં હજારો ક્લેશ રહ્યા છે ને જેટલાં દુઃખ થાય છે તેટલાં શબ્દમાં રહ્યાં છે. અને ભગવાન સંબંધી જે શબ્દ છે તેમાં એક કાળે પંચ વિષયનાં સુખ પ્રાપ્ત થાય છે પણ તે સુખમાં એક કાળે પંચ વિષયનાં સુખ પ્રાપ્ત થાય છે પણ તે સુખમાં અંતરાય કરે એવો એ શબ્દ છે. તેમ જ સ્પર્શ છે તેમાં પણ હજારો દુઃખ રહ્યાં છે, તેમાં જે કેટલાંકનાં માથાં પડે છે તથા ગામગરાસ લૂંટાઈ જાય છે એવાં દુઃખ થાય છે તે સ્ત્રીયાદિકના સ્પર્શમાંથી થાય છે, એવા લાખું દોષ સ્પર્શમાં રહ્યા છે. અને જે ભગવાનનો સ્પર્શ છે તેમાં એકકાળે પંચ વિષયનું સુખ આવે છે. ને તેમાં અંતરાય કરનારો સ્ત્રી આદિકનો સ્પર્શ છે. તેમ જ રૂપ જોઈ જોઈને મરી ગયા તો પણ તૃપ્તિ પણ નથી થાતી ને તેમાં સુખ પણ જણાતું નથી. ને એ રૂપ થકી પર જે ભગવાનનું રૂપ છે તેમાં એકકાળાવચ્છિન્ન પંચ વિષયનું સુખ આવે છે. પણ તેમાં અંતરાય પણ આ રૂપ છે. તેમ જે રસ છે તેને ભોગવી ભોગવીને મરી ગયા તો પણ હજી જિહ્‌વા તો તૃપ્ત ન થઈ. ને એ રસ કેવો છે ? તો એ રસ ખાઈને પુષ્ટ થાશું તો સત્સંગમાં નહિ રહેવાય. ને પછી જીવશું ત્યાં સુધી ક્લેશને પામશું. ને દેહને મૂકીને જમનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે. એ આદિક કરોડ્યું દોષ રસમાં રહ્યા છે. એવો એ રસ છે ને જે ભગવાનનો રસ છે તેમાં તો એક કાળે પંચ વિષયનું સુખ પમાય છે. એવું એ ભગવાન સંબંધી સુખી છે. નેતેમાં આ જે રસ છે અંતરાય કરનારો છે. તેમ જે ગંધ છે તેમાંથી પણ જીવના પ્રાણ જાય છે એ આદિક અનંત દોષ એમાં રહ્યા છે, એવો એ ગંધ છે અને જે ભગવાન સંબંધી ગંધ છે તેમાં તો એકકાળે પંચ વિષયનું સુખ આવે છે. પણ તેમાં અંતરાય કરનારો આ ગંધ છે. એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય છે. તેથી જ્યારે અતિશય પૂર્વે કહી જે દોષબુદ્ધિ તેણે કરીને જીવમાંથી રાગ ટાળીને તેનો અતિશય અભાવ આવે તે જ્યારે એ વિષય સાંભરે ત્યારે ઊલટી થઈ જાય, ત્યારે જાણવું જે તે વિષયને વિષે દોષબુદ્ધિ થઈ. તેમ જ જે ક્રોધ, ઈર્ષા, મત્સર, અસૂયા, દંભ, કપટ, માન, રાગ અને દ્વેષ એ આદિક જે અધર્મનો સર્ગ છે, તેને વિષે પણ અતિશય દોષ જાણે. જે એ દોષ છે ને મારા જીવને બંધન કરે એવા છે. એમ જાણીને તેની પૂર્વે કહી જે દોષબુદ્ધિ તેવી દોષબુદ્ધિ જીવમાં ઉતારે ને તે દોષનું કોઈ નામ લે ત્યારે તેનાં રોમ ઊભાં થાય ને અતિશય ગ્લાનિ પામી જાય ને જેમ એકનો એક દીકરો મરે ને તેનો શોક તેનાં માબાપને થાય છે તેમ તે દોષ સાંભળીને શોક થાય ત્યારે જાણવું જે તેને દોષબુદ્ધિ થઈ.।।૩૭૦।।