વાત : ૩૫૫

જે બાળકપણામાંથી ત્યાગી થયો છે તેણે તો સ્ત્રી આદિક વિષય ભોગવ્યાં નથી અને તેને જે તે વિષય ભોગની વાસના ઉદાય થાય છે તે શાણે કરીને થાય છે તો બીજા તે વિષયને ભોગવતા હોય તેનેદેખે, તે જાતની વાર્તા સાંભળે તેણે કરીને તેના મનમાં તે વિષયને વિષે સુખની ભાવના થઈ આવે છે. માટે તે વિષયનો ત્યાગ રાખે તો ઠીક ને વિષયનો જોગ કરે તો તેને મૂકી શકે નહિ. અને જે વિષયને અભાવે સહિત સેવતો હોય તે વિષયનો ત્યાગ કરે તો થોડા દિવસ સુધી તો વિષય સાંભરે પણ પછી તેની વિસ્મૃતિ થઈ જાય અને જ્ઞાન, વૈરાગ્ય અને શ્રીહરિજીના માહાત્મ્ય તેનો નિરંતર આગ્રહપૂર્વક દૃઢ અભ્યાસ કરીને તે વિષયને વિષે ક્લેશ, દુઃખ અને દોષની જ દૃઢ ભાવના થઈ જાય અને કોઈ કાળે એમાં સુખની ભાવના તો થાય જ નહિ અને એને અતિ તુચ્છતા જણાઈ જાય; જેમ કોઈ પદાર્થ હોય તેમાં માલ જેવો છે તેવો જાણ્યો પછી તેમાં એવો ભાવ થાય જે આ પદાર્થ તે આવું એની શી વારંવાર તથ્યા(વિસ્તાર, લખાણ) કરવી તથા જેમ પોતાના ભૂંડાનો કરનારો માણસ હોય અથવા શત્રુ હોય તેને દેખીએ અથવા તેની ભેળે રહીએ પણ તેના સ્વભાવની મનમાં ભાવના છે તેણે કરીને તેના ઉપર હેત થાય જ નહિ; તેમ વિષયનો અભાવ થયો હોય જે એ વિષય તો દુઃખરૂપ જ છે અને એમાં કોઈક સુખની ભાવના રહી જાય છે તે એવા અભ્યાસની દૃઢતા વિના રહી જાય છે. માટે નિરંતર આગ્રહ રાખીને દૃઢ અભ્યાસ કરવો.।।૩૫૫।।