વાત : ૩૨૩
ક્રોધ પણ બે પ્રકારનો છે :-
(૧) કોઈક બીજો પોતાને વિષયનો સંબંધ કરાવવા આવે તો તેની ઉપર ક્રોધ કરે તથા કોઈક અવળે માર્ગે ચાલતો હોય તો તેને સવળે માર્ગે ચલાવવાને અર્થે ક્રોધ કરીને તેને શિક્ષાનાં વચન કહે તથા કોઈક પોતાને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા થકી કાંઈક નિષેધ કરે ત્યારે તેની ઉપર રીસ કરીને તેને કઠણ વચન કહે. ને એને વિષે ક્રોધ કરીને ન કહે તો તે માને નહિ અને તેની આગળ નરમ થઈ જાય અને આકરપ ન રાખે તો ત્યાગ, વૈરાગ્યાદિક પ્રમાણે વર્તાય નહિ અને કોઈની મહોબતમાં લેવાઈ જાય તો મૂળગો ઊતરતા સ્વભાવનો થઈ જાય તો તેમાં શો સાર છે ?
(૨) પોતાને મનગમતા વિષય ન મળે તથા મનગમતું ખાન, પાન, વસ્ત્ર, શિષ્યાદિક ન મળે તેને અર્થે ક્રોધ કરે ત્યારે ક્રોધ તે ભૂંડો છે અને એ બે પ્રકારના ક્રોધને વિષે સમાનપણું જાણે છે તે વિવેકે રહિત છે અને મૂર્ખ છે. માટે વિભાગ સમજવાનો વિવેક શીખવો.।।૩૨૩।।
ટિપ્પણી
આકરપઃ આકરાપણું.
મૂળગોઃ મૂળમાંથી, બધી રીતે.