વાત : ૨૨૫
અને જે શૂરવીર હોય તેને તો એમ વર્તે જે આપણે આ દેહને સુખ થાય છે કે દુઃખ થાય છે એ બેમાંથી કોઈ જાતના સંકલ્પ ન થાય. એને તો એવો એક જ સંકલ્પ હોય જે ગમે તેવું સુખ તથા દુઃખ થાય તો પણ આ દેહને મહારાજની આજ્ઞામાં વર્તાવીને દેહને નિયમમાં કરવો છે. પછી તે ભક્ત ઇંદ્રિયુંને વશ કરીને તથા ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને અતિ દૃઢ કરીને તથા પંચવિષયના સંકલ્પને ટાળીને તથા સૂક્ષ્મદેહનો નાશ કરીને પછી વિષયમાં જે અવ્યક્ત રાગ હોય તેને ઉપશમ અને ભગવાનના ધ્યાન વડે ટાળીને પછી લિંગદેહના ભૂકા કરીને જીવને બ્રહ્મરૂપ કરીને પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેમની સેવામાં અક્ષરધામમાં જઈને રહે પણ કોઈ માન મોટપમાં બંધાય નહિ ને તેનો રોક્યો રોકાય નહિ. એવો જે ભક્ત હોય તેને એકાંતિક ભક્ત જાણવો. એમ શૂરવીરને ઓળખવો.।।૨૨૫।।