વાત : ૧૮૯

જેવો રાજા હોય તેવી જ તેની સભા હોય. તેમ જેવું ગુરુમાં દૈવત હોય તેવું શિષ્યમાં દૈવત આવે છે ને પોતે પોતાનું તળ તપાસ્યું ન હોય ને જો પોતાનું અપમાન થાય અથવા સત્સંગનું અપમાન થાય અથવા જેને ભજતો હોય તે જ પાડવાનું કરે તો સત્સંગમાં રહે. માટે તળ તપાસીને સત્સંગ કરવો તો સત્સંગ ન ટળે. તે ઉપર અમદાવાદના બે ગરાસિયાનું દૃષ્ટાંત કહ્યું છે.।।૧૮૯।।



ટિપ્પણી

તળઃ પાયો, તળિયું.

અમદાવાદના બે ગરાસિયાનું દૃષ્ટાંતઃ અમદાવાદમાં ખોડોજી અને મોકોજી નામના બે ક્ષત્રિય હતા. તેઓ ખાખી સંપ્રદાયના આશ્રિત હતા. તેઓ શ્રીહરિના આશ્રિત થયા, પણ તેમને માનનું અંગ હતું, તેથી તેમના ખાખી ગુરુએ બહુ માન આપી પાછા બોલાવ્યા, તો પાછા તે સંપ્રદાયમાં જતા રહ્યા. આમ, તેમનો સત્સંગ ઉપરછલ્લો હતો.