વાત : ૨૯૨

નિરાકાર થઈને ભગવાનને ભજવા તે નિરાકાર કેમ થાવું ? ઉત્તર : જે માયિક આકાર માત્રને ટાળીને જાણપણારૂપે વર્તવું એ નિરાકાર સમજણું લક્ષણ છે. તે આકાર બે પ્રકારના છે. એક બાહેરલા છે ને એક માંહેલા છે. તેમાં પણ બે પ્રકાર છે. એક રાગે સહિત છે ને એક રાગે રહિત છે. ને તે રાગ પણ બે પ્રકારના છે. એક વિષય સંબંધી છે ને એક શ્રીહરિ સંબંધી છે. તેમાં જે શ્રીહરિ સંબંધી રાગ છે તે તો ધર્મ-જ્ઞાનાદિક સાધને યુક્ત છે ને એવી જાતના રાગને તો અતિ દૃઢપણે કરીને રાખવો ને તે વચમાં બીજા આડાઅવળા ઘણા સંકલ્પ આવી જાય તેની તો ઉપેક્ષા જ રાખવી. જેમ વરતાલ જવાનો મુખ્ય સંકલ્પ હોય ને માર્ગમાં આડાંઅવળાં ઘણાંક પદાર્થ આવી જાય તે જેમ ગણતીમાં ન હોય તેમ, ને વળી જેમ નિશાનના (મધ્યના ૨૨ના) વચનામૃતમાં કહ્યું છે જે એક નિશાન લેવાનો જ મુખ્ય સંકલ્પ છથે તેમ, ને હમણાં તો બીજા સંકલ્પનું બળ જણાય છે, ને મુખ્ય સંકલ્પ છે તેમ, ને હમણાં તો બીજા સંકલ્પનું બળ જણાય છે, ને મુખ્ય સંકલ્પનું બળ નથી જણાતું પણ અંતે જાતાં એ જ વૃદ્ધિ પામશે કેમ જે તે શ્રીહરિ સંબંધી છે. માટે તે ઉપર સાકરકોળાંના વેલા નાના ને તેનું ફળ મોટું તેનાં દૃષ્ટાંતે કરીને વાર્તા કરી.।।૨૯૨।।



ટિપ્પણી

સાકરકોળાનું દૃષ્ટાંતઃ સાકર- કોળાના વેલામાં જ્યાં સુધી કોળાનાં ફળ બેઠાં હોતાં નથી, ત્યાં સુધી તેનાં પાંદડા, ડાળિયો વગેરે મોટાં લાગે છે, પણ કોળાં લાગે ને મોટા થતા જાય તેમ ડાળાં-પાંદડાં કમજોર થઈ જાય છે. તે રીતે સાકરકોળા રૂપ મુખ્ય સંકલ્પ છે, ડાળાં-પાંદડાં રૂપ આડા-અવળા સંકલ્પ છે. મુખ્ય સંકલ્પ હોય તો બીજા સંકલ્પ ગૌણ થાય.