વાત : ૨૨૪

અને વળી સ્વામીએ વાત કરી જે ગમે તેવો નિષ્કામી હોય પણ જો કામીનો જોગ કરે તો તે પણ કામી થાય. તથા ગમે તેવો નિર્લોભી હોય ને જો લોભીનો સંગ કરે તો તે પણ લોભી થઈ જા. ઇત્યાદિક ભૂંડાને સંગે ભૂંડો થાય. તેમ જો સારાનો સંગ થાય તો સારો થાય, જેમ ગમે તેવો કામી હોય પણ તે જો નિષ્કામી પુરુષનો સંગ કરે તો પોતે નિષ્કામી થાય. ઇત્યાદિક નિર્દોષ પુરુષનો સંગ કરે તો તે પણ નિર્દોષ થાય. માટે જે મુમુક્ષુ હોય ને પોતાના દોષને ટાળવાની ઇચ્છા હોય તેણે દોષવાળાથી તો જેમ સર્પ તથા વાઘ થકી બીને છેટે રહેવાય છે તેમ બીને છેટે રહેવું. અને સંગ તો કેનો કરવો ? તો જે સર્વે પ્રકારે દોષ રહિત હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિએ યુક્ત હોય ને જગતની કોરે સુષુપ્તિ વર્તતી હોય ને ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો ને ભગવાનનો નિર્વિકલ્પપણે નિશ્ચય કરવો તથા ભગવાનની મૂર્તિને સંભારવી તેને વિષે નિરંતર જાગૃત વર્તતા હોય એવા સાધુનો ખાતાં, પીતાં, ચાલતાં એ આદિક સર્વે ક્રિયામાં સંગ કરવો તથા રાત્રીએ સૂવું ત્યારે પણ એવા પાસે સૂવું.।।૨૨૪।।