વાત : ૨૩૫
એક વાર પોતાના જીવને શુદ્ધ કરીને પછી ભક્તિ કરવી. બીજાને સત્સંગ કરાવવો તથા સત્સંગનો મમત્વ રાખવો ઇત્યાદિક જે જે કરવું તે સર્વે પછી કરવું. તે શુદ્ધ કેમ કરવો તો સ્ત્રી અને ધન એ બેમાં કોઈ રીતે જીવ ભળી જાય નહિ તેવો દૃઢ વિચાર કરવો તથા આત્મનિષ્ઠા અને વૈરાગ્યની રીત સારી પેઠે જાણવી તથા ભગવાનના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને તેનું માહાત્મ્ય જાણીને ભક્તિ કરવાની રીત જાણવી. એટલાએ કરીને જીવ શુદ્ધ કરવો અને એમ શુદ્ધ ન કરે અને કદાચિત જો સ્ત્રી આદિકમાં આસક્ત થઈ જવાય તો તે ભગવાનને ગમે નહિ. જેમ અપવિત્ર થકો શ્રીહરિને અર્થે થાળ લઈ આવે તો તે શ્રીહરિને ગમે નહિ, તેમ તે ભક્તિ પણ ગમે નહિ. માટે એકલી ભક્તિમાં કાંઈક કહેવત છે અને જીવને શુદ્ધ કરીને થોડીક ભક્તિ કરી હોય તો જેટલી કરી હોય તેટલી જાય નહિ.।।૨૩૫।।