વાત : ૪૩૮
શ્રીહરિજી મહારાજ બોલ્યા જે આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ભક્ત સારુ બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ પરમેશ્વરને ખટકે નહિ. તે ઉપર દૃષ્ટાંત દઈને વાર્તા કરી જે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન સાથે સુધન્વાને જીતવા ગયા હતા ને એ દિગ્વિજયમાં જીતાણો નહોતો ને યાદવ માંયલો પણ ન હતો અને એ સુધન્વા પણ હરિભક્ત બહુ ભારે હતો. પછી અર્જુનને ને સુધન્વાને પરસ્પર યુદ્ધ થવા લાગ્યું ત્યારે સુધન્વા કહે જે જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મને મળ્યા છે તે દિવસથી જો બીજા દેવ માત્રની પ્રતીતિ મારા અંતરમાં ન થઈ હોય તો આ બાણે કરીને અર્જુનનું મસ્તક પડી જાઓ. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે જે મેં રામાવતાર ધરીને જે જે પુણ્ય કર્યું છે તેણે કરીને અર્જુનનું બાણ એના બાણને કાપી નાખો. ત્યારે ફરીને પાછું સુધન્વાએ કહ્યું જે જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મને મળ્યા છે તે દિવસથી જો કોઈ મંત્ર, જંત્ર, કામણ, ટુમણ, જડી, બુટી, રિદ્ધિ, સિદ્ધિ એ આદિકની પ્રતીતિ લેશમાત્ર ન થઈ હોય તો આ બાણ અર્જુનનું મસ્તક કાપી નાખો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે મેં વારાહાદિક અવતાર ધરીને જે પુણ્ય કર્યાં છે તેણે કરીને અર્જુનનું બાણ એના બાણને કાપી નાખો. ત્યારે ફરીને સુધન્વાએ કહ્યું જે જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જો સ્ત્રી માત્રને ભોગવવાનો સંકલ્પ ન થયો તો મારાં બાણ અર્જુનના મસ્તકને કાપી નાખો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા જે મેં ગોપીઓ સંગાથે રાસક્રિડા કરીને એ ઊર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું હોય તો અર્જુનનું બાણ સુધન્વાનાં બાણને કાપીને એનું મસ્તક કાપી નાખો. ત્યારે તે બાણે તેમ જ કર્યું ને જ્યારે એ બાણ એનું મસ્તક ગંગાજીમાં પધરાવવા લઈ જતું હતું ત્યારે આકાશ માર્ગને વિષે ધડ રહિત જે એ મસ્તક તે કૃષ્ણ કૃષ્ણ કરતું જાતું હતું. એવું આશ્ચર્ય જોઈને શિવજીએ એ બાણની સ્તુતિ કરીને તે મસ્તકને માગી લીધું. એવો એ સુધન્વા હરિભક્ત હતો તો પણ અર્જુન જેવો ન થયો. એવી રીતે હરિભક્તને વિષે સરસ નરસપણું છે.।।૪૩૮।।