વાત : ૪૦

વ્યાપકાનંદ સ્વામીને શ્રીજીમહારાજને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય થાતો નહોતો. પછી શ્રીજીમહારાજે એમને સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અનંતકોટી મુક્ત સોતું પોતાનું દર્શન કરાવ્યું તો પણ નિશ્ચય થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આ સર્વે મુક્તોનાં રૂપને ધરી ધરીને અમારી પૂજા આરતી કરો. ત્યારે તે કહે જે કેમ ધારું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે રામાનંદ સ્વામી જો પુરુષોત્તમ ભગવાન હોય તો મુને સર્વે મુક્તોનાં રૂપને ધરતાં આવડો એમ સંકલ્પ કરો. ત્યારે તેમણે તેમ સંકલ્પકર્યો તો પણ ન ધરાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ચોવીસ અવતાર જો પુરુષોત્તમ ભગવાન હોય તો એમનાં રૂપને ધરતાં આવડો એમ કહો ત્યારે તેમણે તેમ કહ્યું તો પણ ન ધરાણું. ત્યારે ફરીને શ્રીજીમહારાજ બોલ્યા જે જો આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન હોય તો મુને સર્વે મુક્તોનાં રૂપને ધરતાં આવડો એમ કહો. ત્યારે તેમણે તેમ કહ્યું ત્યારે તેમને સર્વે મુક્તોનાં રૂપને ધરતાં આવડ્યું. પછી એમને પુરુષોત્તમપણાનો નિશ્ચય શ્રીજીમહારાજને વિષે યથાર્થ થયો. ।। ૪૦ ।।