વાત : ૨

ચોખ્ખી ઉપાસના કરવી તેમાં લોચો પોચો ન રાખવો અને જે ઉપાસનામાં ભેદ પડે છે તે પક્ષપાતે કરીને પડે છે કેમ જે પોતાનો પક્ષ રાખવા સારુ પોતાના જે સેવક હોય તેને કહે જે લક્ષ્મીનારાયણ છે તથા નરનારાયણ છે તે જ મહારાજ છે એમ સમજાવે ને પોતે તો જેમ સમજતા હોય તેમ સમજે. માટે આપણે તો કોઈ અવતારને વિષે મોટપ ન સમજવી અને શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી પોતે એક જ છે અને અવતાર માત્રના સ્વામી છે ને બીજા સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ સમજવું અને બીજાને એમ સમજાવવું. તે કેમ જાણીએ તો, એક વાર અમને મહારાજનાં ને શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં ત્યારે શ્રીકૃષ્ણ, મહારાજની સેવામાં દેખાણા તથા રામચંદ્રજીનાં તથા મહારાજનાં દર્શન થયાં ત્યારે પણ રામચંદ્રજી, મહારાજની સેવામાં દેખાણા ને નરનારાયણનાં તથા મહારાજનાં દર્શન થયાં ત્યારે પણ નરનારાયણ મહારાજની સેવામાં દેખાણા ને મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પણ પોતાના સ્વરૂપને વિષે ચોવીસ અવતાર લીન કરી દેખાડ્યા અને પર્વતભાઈ પણ ચોવીસ અવતારને મહારાજની સ્તુતિ કરતા નિરંતર દેખતા અને વળી એક ભક્તને સમાધિ થઈ ત્યારે એમ પણ કહ્યું જે હું બ્રહ્મમહોલને દરવાજે ગયો ત્યારે માંહીથી મહારાજે કહ્યું જે નરનારાયણને કહીએ જે એને આંહી આવવા દ્યો. તથા એક વખત વિજ્ઞાનદાસજી અમારે દર્શને આવ્યા હતા. પછી તેણે કહ્યું જે મારે નરનારાયણનાં દર્શન કરવા જાવું છે, ત્યારે અમે કહ્યું જે સમાધિ કરીને મહારાજ પાસે જાઓ, ત્યારે તે સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. તે સમે ત્યાં નરનારાયણ મહારાજનાં દર્શન કરવા આવ્યા હતા. પછી મહારાજે તેમને આજ્ઞા કરી જે તમે બદ્રિકાશ્રમમાં જાઓ ત્યારે નરનારાયણ ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાને સ્થાનકે ગયા. એવા એક હજારોવાર ચમત્કાર મહારાજે જણાવ્યા છે તથા હમણાં પણ જણાય છે. તે આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ ? માટે આપણે તો ચોખ્ખી ઉપાસના સમજવી જે બીજા અવતાર તથા અક્ષરના મુક્ત તથા અક્ષર અને એ પૂર્વે જે જે અવતાર થઈ ગયા છે તથા આગળ થાશે એ સર્વેના અવતારી શ્રીજીમહારાજ છે અને એ સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ સમજવું. અને એ સર્વેને નિયમમાં રાખનારા પોતે એક જ છે પણ એ વિના બીજો કોઈ નથી એ મોટા સંતનો સિદ્ધાંત છે. ।। ૨ ।।