વાત : ૫૪૩
પૃથ્વી પર જે ચાલતા હોય તે તો પડે પણ જે પ્રકાશ માર્ગે ગતિ કરતા હોય તે કેમ પડે છે ? તેમાં આકાશને ઠેકાણે તો બ્રહ્મપુર જાણવું ને તેને વિષે ગતિ કરનારા જે સમાધિવાળા સર્વે હરિભક્ત તે જે તે બ્રહ્મપુરને વિષે તેજોમય શરીરવાળા દેખે છે તે કેમ સત્સંગમાંથી પડી જાય છે ? ઉત્તર : જે એ વાર્તા તો એમ છે જે અતિ દૃઢ શ્રીજીમહારાજના ભક્ત ન હોય તે યોગભ્રષ્ટ થાય છે પણ પડતા નથી. તે ભગવદ્ ગીતામાં કહ્યું છે જે,
पार्थ ! नैवेह नामुत्र, विनाशस्तस्य विधते ।
नहि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात ! गच्छति।।१
प्राप्य पुण्यकृतांक्लोकानुपित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते।।२
(૧. અર્થ :- હે અર્જુન ! યોગાભ્યાસથી પડી ગયેલા યોગીનો આ લોક પરલોકમાં (સ્વર્ગાદિક ભોગ તથા બ્રહ્માનુભાવ સુખમાં) વિનાશ નથી, કારણ કે કલ્યાણને માર્ગે ચાલનાર કોઈ પણ યોગી ક્યારેય દુર્ગતિને નથી પામતો ! (ગી. અ. ૬-૪૦)
૨. અર્થ :- ભોગની ઇચ્છાએ યોગમાર્ગથી પડેલો યોગી અતિશય પુણ્યશાળીના લોકને પામી ત્યાંના અતિસુખરૂપ ભોગને ભોગવીને ભોગ તૃષ્ણા પૂર્ણ થતાં યોગાભ્યાસના આરંભને યોગ્ય, પવિત્ર, સદ્ગૃહસ્થને ઘેર જન્મ પામે છે.)
ને વળી જ્યાં સુધી એકાંતિક ભક્ત ન થયો હોય ત્યાં સુધી તેને ઇંદ્રિયો-અંતઃકરણરૂપ જે માયા તે પીડે છે ને એકાંતિક ભક્તને તો માયા સહાય કરે છે જેમ ગુણ બુદ્ધિવાળા સત્સંગી હોય તેને કુસંગી ડગાવે છે ને જે નક્કી સત્સંગી છે તેની તો ખુશામત કરે છે એમ શ્રીજીમહારાજે લોયાના દશમા વચનામૃતમાં કહ્યું છે.।।૫૪૩।।