વાત : ૩૧૩

અને સંતે પૂછ્યું જે પોતામાં જે દોષ હોય તેને ટાળ્યાની જુક્તિ જાણતો હોય તો પણ તે દોષ તેમના તેમ રહે છે તે તેનો ત્યાગ કરીને સવળે માર્ગે વર્તાતું નથી તેનો શો હેતુ છે ? એક તો એ ને બીજું મોટા સંતને યથાર્થ જાણતો હોય પણ કોઈકની વાત સાંભળીને સામો તેનો અવગુણ લે છે તે એને જાણ્યામાં ફેર છે કે નિશ્ચિયમાં ફેર છે ? ત્યારે સ્વામીએ તેનો ઉત્તર કર્યો જે નિશ્ચયમાં કિંચિત્‌ ફેર હોય ને બહુધા તો એમ જણાય છે જે એની બુદ્ધિમાં સ્થિરતા નથી તેથી એની બુદ્ધિમાં કાર્ય અકાર્યનો વિવેક નથી રહેતો ને જ્યારે જાણપણામાં કાર્ય અકાર્યનો વિવેક ન રહે ત્યારે ન કરવાની ક્રિયા કરે ને કરવાની ન કરે અને તે બુદ્ધિ સ્થિર ક્યારે થાય ? તો જ્યારે રજ, તમને ટાળીને શુદ્ધ સત્વગુણને વધારે ત્યારે થાય ને તે સત્વગુણની વૃદ્ધિ ક્યારે થાય ? તો જ્યારે રજોગુણી ને તમોગુણી આહારનો ત્યાગ કરીને સત્વગુણની વૃદ્ધિ કરે એવો આહાર કરે. તેની વિક્તિ જે જેમ ધર્મામૃતમાં આહારને નિયમે કરીને રસનાને જીતવાની જુક્તિ કહી છે તેમ રસનાને જીતવી તથા ગુણ વિભાગમાં સાત્વિક પુરુષને સત્વગુણી આહાર કહ્યો છે તેમ આહાર કરે તથા સાત્વિક શાસ્ત્રને ભણે તથા સાંભળે તથા સાત્વિક પુરુષનો સંગ કરે ને નાનાં છોકરાંથી તો જેમ સ્ત્રીથી બીએ છે તેમ બીએ ને વળી કાર્યકાર્યનો એમ વિવેક શીખે જે આ ક્રિયા કરીશ તો કાર્ય થાશે ને આ ક્રિયા કરીશ તો અકાર્ય થાશે. એવી રીતે જે જે ક્રિયા કરે તે વિચારીને કરે તથા ભય અભયને જાણે જે આ ક્રિયા કરીશ તો ભય થાશે ને આ ક્રિયા કરીશ તો અભય થાશે. માટે તે વિચારીને કરે તથા બંધ મોક્ષને જાણે જે આવી રીતે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્રિયા કરીશ તો બંધન થાશે ને તે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીશ તો મારો મોક્ષ થાશે. એવી રીતે કાર્યકાર્ય, બંધ મોક્ષ તથા ભય અભયનો જે વિવેક તેના નિરંતર જાણપણામાં રહે ત્યારે જે જે ક્રિયા કરે તે વિચારીને થાય. નેઆ કહ્યું એટલાં વાનાં રાખે તો સત્વગુણને વૃદ્ધિને પામે, ને જ્યારે રજ, તમને ટાળીને નિરંતર સત્વ વર્તે ત્યારે સ્થિર બુદ્ધિ થાય ને જ્યારે એવી સ્થિર બુદ્ધિ રહેવા માંડે ત્યારે શું કરવું ? તો શ્રીજીમહારાજે કહ્યું તેમ જેને કામ, ક્રોધાદિક ભૂત ન વળગતાં હોય ને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિએ જુક્ત મોટા સંત હોય તેને સંગે રહીને એ જેમ ઇંદ્રિયુંને જીતવાની જુક્તિ બતાવે તેમ ઇંદ્રિયું અંતઃકરણને જીતીને પછી ભગવાનની મૂર્તિને વિષે તેલધારાવચ્છિન વૃત્તિ રાખવાનાં જે સાધન તેને શીખવાં ને તેમ કરવામાં જે પદાર્થ અંતરાય કરે તેનો ત્યાગ કરીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી.।।૩૧૩।।



ટિપ્પણી

વિક્તિઃ વિગત.

તેલધારાવચ્છિન વૃત્તિઃ તેલની ધાર જેવી અતૂટ વૃત્તિ, એકધારી વૃત્તિ.