વાત : ૩૭૧
અક્ષરધામમાં સ્ત્રી, પુફુષ એવો ભેદ નથી કેમ જે સ્ત્રીના દેહમાં યોનિ આદિક ચિહ્ને રહિત સ્ત્રીનો દેહ છે. અને પુરુષના દેહમાં શિષ્નુ આદિક ચિહ્ને રહિત અક્ષરધામમાં પુરુષનો દેહ છે. અને એ અક્ષરધામને વિષે યોનિ, શિષ્નુ ને ગુદા એ ત્રણે અંગે રહિત દેહ છે અને બીજા ધામમાં ચાર ચરણારવિંદની ઉપાસના છે. તે માટે પુરુષ પણ મુક્ત હોય ને તેને જો સ્ત્રીની ઇચ્છા હોય તો તે અક્ષરધામને સ્વપ્નમાં પણ ન દેખે તો બીજાને તો ક્યાંથી દેખે ? અને સ્ત્રી પણ મુક્ત હોય તેને પુરુષને વિષે ભોગબુદ્ધિ રહી હોય તો તે પણ અક્ષરધામને સ્વપ્નમાં પણ ન દેખે તો બીજો તો ક્યાંથી પામે ? તે માટે આપણે પણ જો સ્ત્રી તથા ધનની વાસના રહી હોય તો અક્ષરધામને ન પમાય. તે માટે સ્ત્રી ધન એ બેનો રાગ દેહ થકી પર ઇંદ્રિયો ને ઇંદ્રિયો થકી પર મન ને મન થકી પર બુદ્ધિ ને બુદ્ધિ થકી પર જે કારણ શરીરે સહિત જીવ છે તે જીવમાં સ્ત્રી ને ધનનો રાગ છે તે વારંવાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેના ડંક લગાડીને સ્ત્રી, ધનનાં મૂળ ઉખાડી નાખવાં અને વારંવાર દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ તેનો નિષેધ કરીને આત્મસત્તારૂપ થઈને જીવમાં ભગવાનની મૂર્તિનેે ધારે તો ધીરે ધીરે સ્ત્રી, ધનનો રાગ છે તે નાશ પામે અને તે રાગ જ્યારે ટાળે છે ત્યારે અક્ષરધામમાં રહેવાય છે. અને તેનાં મૂળ ઉખાડીને સત્તારૂપ થયો હોય તો પણ ગાફલપણું ન રાખે તથા ઊતરતાનો સંગ તથા પંચ વિષય તથા વિષમ દેશકાળ તથા સૂક્ષ્મ વસ્ત્ર તથા છોકરા સંગાથે ભાઈબંધાઈ તેમનાથી તો હરણની પેઠે બીતો રહે અને સંગ તો પોતાની ઉત્કૃષ્ટ અંગવાળો તેનો જ કરવો. આ વાત જેવા તેવા આગળ ન કરવી.।।૩૭૧।।
ટિપ્પણી
ડંકઃ ડંખ, દંશ, ચટકો.