વાત : ૧૦૯
ઉપાસક, ઉપાસ્ય અને ધામ એ ત્રણની જે શુદ્ધિ તેને યથાર્થ જાણીને ભગવાનને ભજે તો તેને કોઈ વાતની કસર ન રહે.
(૧) ઉપાસક જે ભગવાનની ઉપાસનાનો કરનારો જીવાત્મા તેને વિષે અક્ષરભાવનાની દૃઢતા કરવી અને અક્ષર વિના જે પ્રકૃતિપુરુષ ભાવ તે કોઈમાં એનું મન સ્થિરતાને પામે નહિ અને એક અક્ષરભાવને વિષે સ્થિરતા પામે એ ઉપાસકની શુદ્ધિ કહેવાય.
(૨) ઉપાસ્ય મૂર્તિ જે શ્રીહરિજી તેમનું જે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વૈભવ અને ઐશ્વર્યાદિક છે તેવું અક્ષરાદિક કોઈને વિષે નથી અને ભગવાનના સ્વરૂપાદિક તો અપરિમિત છે અને અક્ષરાદિક સર્વથી વિલક્ષણ છે. એવી રીતે શ્રીહરિજી જે ઉપાસ્ય તેની શુદ્ધિ જાણવી.
(૩) શ્રીહરિજીનું ધામ તે અક્ષર છે. પોતે પોતાને અનુરૂપ તે અક્ષરધામ બન્યું છે અને બીજાં જે ધામ તેમાં પોતે દેખાય છે તે તો તે ધામના નિવાસી ભક્ત તેમને સુખ દેવાને અર્થે તે ભક્તની રુચિ અનુસારે દેખાય છે. જેમ પૃથ્વીને વિષે ભગવાન દેખાય છે તે મનુષ્યરૂપ ભક્તને સુખ દેવાને અર્થે તેને રુચિ અનુસારે દેખાય છે. એવી રીતે ધામની શુદ્ધિ જાણવી.।।૧૦૯।।