વાત : ૬૮

ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત અવતાર થાય છે તેના ભક્તના ઐશ્વર્યના ભેદ કહીએ છીએ જે ઇન્દ્રનો અવતાર પૃથ્વીને વિષે થયો હોય તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો એ બહુ મોટો થાય તો દેવતા જેવો થાય. અને બ્રહ્માનો અવતાર થયો હોય તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો પણ બહુ મોટો થાય તો ઇન્દ્ર જેવો થાય. અને વૈરાટનો અવતાર થયો હોય અને તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો બ્રહ્મા જેવો થાય. અને મહાવિષ્ણુનો અવતાર થયો હોય ને તેને જો પુરુષોત્તમ જાણીને ઉપાસના કરી હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો વૈરાટ જેવો થાય, પણ એથી મોટો ન થાય. અને મહાપુરુષનો અવતાર થયો હોય અને તેના ભક્તે તેને પુરુષોત્તમ જાણીને જો ઉપાસના કરી હોય તો પણ તેનો ભક્ત બહુ મોટો થાય તો મહાવિષ્ણુ જેવો થાય છે અને પુરુષોત્તમ પંડે પધાર્યા હોય ત્યારે તે પુરુષોત્તમનો આશ્રય માત્ર કર્યો હોય અને તેને વિષયને વિષે રાગ હોય અને તે મરે ત્યારે મહાપુરુષ જેવો તો તે પણ થાય. અને એ પુરુષોત્તમ ભગવાનના ખરેખરા ભક્ત હોય તે તો દેહનો ત્યાગ કરીને અર્ચિ માર્ગે કરીને અક્ષરધામને પામે છે, અને અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, અને અખંડ ભગવાનની સેવામાં રહે છે. તે પુરુષોત્તમને કેમ ઓળખવા ? તો મહાપુરુષાદિક અવતાર ધરીને આવ્યા હોય ત્યારે પોતાનું ઐશ્વર્ય હોય તેટલું જ દેખાડે પણ અધિક ન દેખાડે કેમ તો જેટલું પોતાનું ઐશ્વર્ય હોય તેટલું જ દેખાડે પણ તેઓ વધુ ક્યાંથી દેખાડે ? અને પુરુષોત્તમ પધાર્યા હોય ત્યારે તો અક્ષરધામ, તથા અનંતકોટી બીજાં ધામો તથા અનંત જે પોતાના ઐશ્વર્ય છે તે સર્વે સત્સંગી તથા કુસંગી તથા જેને જેને પોતાની મૂર્તિનો સંબંધ થયો હોય તે સર્વેને દેખાડે છે પણ પાત્ર કુપાત્રને ગણે નહિ.।।૬૮।।



ટિપ્પણી

અર્ચિ માર્ગેઃ તેજદ્વારે (વચનામૃતઃ ગઢડા પ્રથમ ૨૧).