વાત : ૩૪૩
ચાર પ્રકારે નિષ્કામી રહેવાય છે તેની વિગત જે એક તો ધર્મામૃત પ્રમાણે વર્તવેકરીને, અષ્ટાંગ યોગે કરીને, સત્તારૂપે વર્તવે કરીને તથા લાજે કરીને પણ રહેવાય છે.।।૩૪૩।।
ટિપ્પણી
પાણિયારી તથા અસ્વારનાં દૃષ્ટાંતઃ વચનામૃતઃ ગઢડા અંત્ય પ્રકરણ ૯ : ‘‘જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઉં, અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે... જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતાં થકાં વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે, ત્યાં પણ સુરત રાખે.’’ આ રીતે ભગવાનના ભક્તે ભક્તિ કરતાં કરતાં જ વ્યવહાર કરવો.