વાત : ૫૦૫
અને।।सत्त्वं यद्ब्रह्मदर्शनं।।સત્ત્વગુણથી બ્રહ્મનું દર્શન થાય છે. એવી જે માયા તે દુઃખરૂપ કેમ કહેવાય છે ? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જેમ પૃથ્વીની ઘટાદિક એવા અનેક પ્રકારની રચના છે તથા કાચ આદિકને વિષે સ્વચ્છપણું છે તે સર્વે કર્તાની શિલ્પતાએ કરીને છે, તેમ શ્રીહરિજી મહારાજ અને તેમના સત્પુરુષના સંબંધે કરીને સત્ત્વગુણને વિષે બ્રહ્મ દર્શનપણું છે ને એમ ન હોય તો આરબ ને કોળી આદિકને વિષે સત્ત્વગુણ તો દેખાય છે તો પણ બ્રહ્મદર્શન તો કહેવાય નહિ. ને નિર્ગુણપણું તો એ બેયના સંગે કરીને આવે છે. ને તેને વિષે બીજો એક ભેદ છે જેમ આંહીથી વડતાલ તથા ધોલેરે કે જૂનાગઢ ગયા તો પણ ગયા કહેવાય ને હોય તો મારગમાં તેમ હરિભક્ત નિર્ગુણ કહેવાય. એમ દેવને દૃષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી.।।૫૦૫।।
ટિપ્પણી
દેવનું દૃષ્ટાંતઃ દેવ ઘણા પ્રકારના છે. એમની પાત્રતા પ્રમાણે એમની નિર્ગુણતા પણ અનેક પ્રકારની છે. બ્રહ્મા કરતાં ભૂમાપુરુષ વધુ નિર્ગુણ છે.