વાત : ૩૭૨
ભગવાનને વિષે અતિશય હેત કરવું. હેત કરતાં કાંઈક વિકાર થાય તો એનો એમ વિચાર કરવો જે મારે વિકાર ઇંદ્રિયોમાં થયો તે રાગે કરીને થયો કે સહેજે થયો અને તે સહેજે રાગ થયો તે કેમ જાણીએ તો પૂર્વે જે જે વિષય ભોગવ્યા હોય તેની સ્મૃતિ થાય પણ ભોગબુદ્ધિ ન થાય ત્યારે એમ જાણવું જે અમથા એ વિષય સ્ફુરી આવ્યા છે પણ મારે તો એનો રાગ નથી અને તે વિષયના સંકલ્પરૂપ સ્મૃતિ થાય છે તે ક્યારે ટળે તો જ્યારે ભગવાને ગીતામાં જ્ઞાનીને ક્રિયાયોગ કહ્યો છે તેવી રીતે ક્રિયાયોગ કરે તો એ વિષયમાં સ્મૃતિરૂપ રાગ છે તે ટળે ને તે રાગ ટળ્યા વિના જ્ઞાનીને પણ વિષયને વિષે સહજ સ્મૃતિરૂપ રાગ રહે અને જેને વિષયને વિષે ભોગબુદ્ધિ થાય ત્યારે એમ જાણવું જે મારે વિષયને વિષે રાગ છે. તે કેમ ટાળવો ? તો એમ વિચાર કરવો જે સ્ત્રી આદિક પંચ વિષયને વિષે દોષ રહ્યા છે તે વિચારીને તેના દોષને મોટા સંત પાસેથી શીખે ને પછી તે દોષની સેર્ય ઇંદ્રિયોમાં ઊતરે અને પછી અંતઃકરણમાં ઊતરે પછી, અંતઃકરણ થકી પર જે બુદ્ધિ તેમાં ઊતરે પછી, તેથી પર જે જીવ તે જીવમાં ઊતરે, એમ લોમ, પ્રતિલોમ દૃષ્ટિ કરીને ટાળ્યાનો અભ્યાસ નિરંતર રાખે તો ધીરે ધીરે તે રાગ ટળે; તે પણ તીવ્ર શ્રદ્ધા રાખીને કર્યા કરે ત્યારે રાગ નિવૃત્તિ પામે, નહિ તો ન પામે.।।૩૭૨।।
ટિપ્પણી
સેર્યઃ ધાર, ધારા, પ્રવાહ.