વાત : ૧૧

શ્રીજીમહારાજે વાર્તા કરી જે સમગ્ર પૃથ્વી જેવડી ઝાલર હોય ને મેરુ જેવડો ડંકો હોય ને વૈરાજપુરુષ જેવા અનંત વગાડનારા હોય ને તેનો જેવો શબ્દ થાય તેવો અક્ષરાતીત પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જેમના જમણા ચરણના અંગૂઠામાંથી પ્રણવ નીસરે છે તેનો ઘોષ થાય છે. તેના જે પરછંદા તે અક્ષરાદિક અનેક ધામમાં વ્યાપે છે તે જો બ્રહ્માંડોમાં આવે તો અનંત બ્રહ્માંડને ફોડી નાખે એવો જે પ્રણવનો શબ્દ તે પુરુષોત્તમના અંગૂઠામાં પાછો લીન થઈ જાય છે ને વળી ઉદયને પામે છે. એવા જે પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તે સમગ્ર બીજાં ધામોમાં રહી જે મૂર્તિઓ તથા સર્વ અવતાર તેના કારણ છે ને અનંત અક્ષરપુરુષના સ્વામી છે ને અપરિમિત, સર્વોપરી, નિરંકુશ, ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે. એવા જે પ્રકટ પુરુષોત્તમ તેમની જેમ તમારે ઉપાસના થઈ છે તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે ને બીજો પુરુષ તો કોટી સાધન કરે તો પણ ન પામે એવી જે રહસ્યવાર્તા છે તે જ્ઞાનવાન એવા જે એકાંતિક સંત તેને પ્રસંગે કરીને સમજાય છે. ને અક્ષરાદિક સર્વ થકી પર ને અદ્વિતીય મૂર્તિ એવા જે પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમને એ રીતે સર્વોપરી જાણવા એ સર્વ સત્પુરુષ ને સર્વ સત્શાસ્ત્ર તેમનો પરમ રહસ્ય અભિપ્રાય છે. ને પુરુષોત્તમને વિષે ને બીજા વિભૂતિ અવતારને વિષે કેમ ભેદ છે તો જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ છે ને જેમ ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં ભેદ છે ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે તેમ પુરુષોત્તમમાં ને એ કહ્યા તે સર્વેમાં ભેદ છે. ।। ૧૧ ।।



ટિપ્પણી

પ્રણવઃ ૐ એવો અવાજ, નાદ, શબ્દ. પરબ્રહ્મના સ્વરૂપમાંથી નીકળતા તેજનો ધ્વનિ.

ઘોષઃ અવાજ, ધ્વનિ

પરછંદાઃ પડઘા.

અપરિમિતઃ અમાપ.

વિભૂતિ અવતારઃ જેમનામાં શ્રીજીમહારાજની શક્તિ વ્યાપી છે તેવા અવતાર.

ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજાઃ રાજાશાહીમાં વધુ સામર્થીવાળો રાજા બીજા રાજાને પોતાનો તાબેદાર બનાવી તેની પાસેથી દર વર્ષે રકમ (ખંડણી) વસૂલ કરે. તાબેદાર રાજા તે ખંડિયો રાજા. ઘણા ખંડિયા રાજાનો ઉપરી રાજા તે ચક્રવર્તી રાજા.