વાત : ૧૬૦

સંત દ્વારાએ કરીને પણ અનેક જીવોનાં કલ્યાણ કર્યાં ને એકાંતિક ભક્તને વિષે શ્રીજીમહારાજની મરજી ને વાર્તા યથાર્થ રહી છે. તે ઉપર,

योगिन्द्राय तदात्मनाथ भगवद्राताय कारूण्यतस्तच्छुद्धं ।

विमलं विशोकममृतं सत्यं परं धी महि।।

(અર્થ: જે પરબ્રહ્મ પરમાત્માએ કૃપા કરીને આ અપાર જ્ઞાનના દીપકરૂપ શ્રીમદ્ ભાગવતને પ્રથમ બ્રહ્મા પાસે પ્રકટ કર્યું. પછી બ્રહ્મારૂપે નારદમુનીની આગળ દર્શાવ્યું, નારદરૂપે શ્રી વેદવ્યાસની આગળ પ્રકટ કર્યું. અને વ્યાસજીરૂપે યોગીઓમાં શ્રેષ્ઠ એવા શુકદેવજી પાસે પ્રકટ કર્યું. અને શુકદેવજીરૂપે પરિક્ષિત રાજાની પાસે પ્રકટ કર્યું તે શુદ્ધ-નિર્મળ, શોક રહિત, સત્યમૂર્તિ અને મોક્ષસ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરીએ. – ભા. દ્વા. અ. ૧૩-૧૯)

આ શ્લોકની બહુ વાર્તા કરી ને એવા શુદ્ધ ભક્તને વિષે જ શ્રીજીમહારાજ નિવાસ કરીને રહે છે તે વાત આ બે શ્લોકમાં કહી છે, ‘‘न कामकर्मबीजानां यस्य चेतसि संभवः’’ તથા ‘‘वासुदेवैकनिलयः’’(જેના ચિત્તને વિષે સકામ કર્મોની વાસના ઉત્પન્ન નથી થતી તેને વિષે ભગવાન હંમેશા રહે છે અને એક વાસુદેવ ભગવાનને વિષે જ નિમગ્ન રેહનારામાં પણ તેવી જ રહે છે.) ને બીજો ભક્ત તો પોતાના સ્વભાવ ભેળો ભળી જાય છે, માટે સ્વભાવ પ્રમાણે વર્તે છે ને વાત પણ તે જ પ્રમાણે કરે છે. ત્યારે સંતે પ્રશ્ન પૂછ્યો જે આ ભક્ત તો સ્વભાવ પ્રમાણે વર્તે છે ને મરજી પ્રમાણે વર્તે છે તેમ કેમ જણાય ? ઉત્તર : જે જેની બુદ્ધિ દેશકાળાદિકે કરીને ફરી જાય તેનું વર્તન ને સ્વભાવ પ્રમાણે છે એમ જાણવું ને જેની બુદ્ધિ દેશકાળાદિકે કરીને ન ફરે તેનું વર્તન મરજી પ્રમાણે છે એમ જાણવું ને જેણે રાત દિવસ અતિશય આગ્રહ રાખીને શ્રવણ મનનાદિકે કરીને બુદ્ધિને વિષે એકાંતિક ભક્તપણું ખચિત કર્યું હોય તેની બુદ્ધિ ફરે નહિ.।।૧૬૦।।



ટિપ્પણી

ખચિતઃ જડબેસલાક, નિશ્ચિત.