વાત : ૫૬૩

અને હરજી ઠક્કરે પૂછ્યું જે માયાવી પુરુષની માયામાં ન લેવાય એવો પુરુષ હોય તેને કેમ ઓળખવો ? ત્યારે સ્વામીએ કહ્યું જે પૂર્વે કહ્યો એવો જે જ્ઞાની હોય તે માયાવી પુરુષની માયામાં ન લેવાય ને બીજો તો ગમે તેવો હોય તો પણ માયાવી પુરુષની માયામાં લેવાય જાય. તે માયાવી પુરુષનું થોડાકમાં લક્ષણ કહીએ છીએ જે પોતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે ન કરતો હોય પણ બીજા મુમુક્ષુને તે ધર્માદિક દેખાડીને તેનો ઉપદેશ કરે, પછી સારા સાધુ સાથે જોડાણો હોય તે સાધુનો અવગુણ ઘાલીને તેને પોતાની પાસે રાખે ને પછી ભક્તિનો ઉપદેશ કરીને તેમાં દોષ દેખાડીને તે ભક્તિ થકી પાડે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યનો ઉપદેશ કરીને પછી તેમાં દોષ દેખાડીને તે ધર્માદિક થકી પાડી નાખે છે. તથા ભગવાનનું માહાત્મ્ય કહી દેખાડીને પછી તેમાં દોષ દેખાડીને તે માહાત્મ્ય થકી પાડી નાખે છે. તથા ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને પ્રતાપ પોતે કહીને પછી તેમાં દોષ દેખાડીને તેને ભગવાનના નિશ્ચય તથા પ્રતાપ થકી પાડી નાખે છે. એવી રીતે એ કહ્યાં એથી અનંતગણાં છળ ને કપટ જેને વિષે છે એવો જે માયાવી પુરુષ તેની માયાનું તો અનંતપણું છે તે માટે એની માયામાં તો પૂર્વે કહ્યો જે જ્ઞાની તે ન લેવાય તથા તે સાથે જોડાણો હોય તેને પણ એની માયામાં ન લેવાવા દીધો અને બીજો તો ગમે તેવો હોય તો પણ માયાવી પુરુષની માયામાં લેવાયા વિના રહે નહિ. માટે આ વાત તે અવશ્ય સમજવાની છે.।।૫૬૩।।