વાત : ૨૩૭
હરિભક્તને આ ત્રણ વાર્તા અતિશય સિદ્ધ કરવી :-
(૧) ભગવાનનું સ્વરૂપ યથાર્થ માહાત્મ્ય, જ્ઞાનપૂર્વક જાણીને તે શ્રીહરિજીમાં અને શ્રીહરિજીના ખરેખરા ભક્તમાં હેત કરવું અથવા તે શ્રીહરિજી અને હરિભક્ત ભેળા રહેવે, બોલાવે, ચલાવે સહેજે હેત કરવું.
(૨) પોતાના જીવને શોધવો કહેતાં કામ, લોભ, માન, ક્રોધ, દંભ, ઈર્ષા, મત્સર, સ્નેહાદિક જે આસુરી સંપત્તિરૂપ અધર્મનો સર્ગ તેણે કરીને તથા કોઈ માયિક ભાવે કરીને જીવ પરાભવમાં ન પામે અને દોષ રહિત થકો અને કેવળ સત્તાપણે રહ્યો થકો બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં રહે અને એવો બ્રહ્મરૂપ થાય ત્યારે શ્રીહરિજીને વરણીય(પસંદ) થાય માટે આ તો અવશ્યપણે નિરંતર અનુસંધાન રાખીને અને સત્શાસ્ત્ર થકી જ્ઞાન, વૈરાગ્યનો વિચાર પામીને તથા સત્સંગ કરીને એ વાત દૃઢ કરવી.
(૩) કોઈ ઉપર દયા કરીને તેના જીવનું પરલોક સંબંધી હિત કરવું અને તેનો જીવ અન્ય વાસનાએ રહિત થઈને ભગવાનને પામે એવી દયા કરે તો એની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય કેમ જે પોતાના ધામથી શ્રીહરિજી અહીંયાં આવે છે અને જીવની ઉપર દયાએ કરીને તેમના કલ્યાણ કરવાને માટે આવે છે. તે ભગવાનના સંકલ્પ ભેળી એની ક્રિયા ભળી માટે ભગવાન પ્રસન્ન થાય તથા હરિમંદિર શ્રીજીમહારાજે પોતે કરાવ્યાં છે તે બીજા જીવ ઉપર દયા કરીને તેના કલ્યાણને અર્થે કરાવ્યાં છે એમ ધારીને શ્રીહરિજીની પ્રસન્નતાને અર્થે મંદિરનો પક્ષ રાખીને તે સંબંધી કામકાજ કરવું. અને કોઈ જીવ ઉપર દયા કરીને કલ્યાણની વાત કરવી પણ તેના ગુણ દોષમાં પોતાના જીવને બાધ પામવા દેવો નહિ. વાત કરીને છેટે રહેવું પણ દયાએ કરીને તે ભેળું તેના ડોળમાં ભળવું નહિ. એ ત્રણ વાત સિદ્ધ કરવી.।।૨૩૭।।
ટિપ્પણી
જીવને શોધવોઃ જીવને શુદ્ધ કરવો.દ્બપરાભવઃ પરાજય, હાર.
ડોળઃ દેખાવ, દંભ.