વાત : ૪૦૫
સ્વભાવ કેમ ટળે ? ઉત્તર : જે જેમ વિષયને વિષે જીવને સહજ લગની છે ને વળી ‘‘साध्वीचकोरशलभास्तिमिकालकण्ठः कोका निजेष्टविषयेषु यथैव लग्नाः’’ (અર્થ :- પતિવ્રતા, ચકોર, પતંગ, મત્સ્ય, મયૂર અને ચક્રવાક વગેરે જેમ પતિ આદિક પોતપોતાના ઇષ્ટ વિષયોમાં સંલગ્ન થાય છે. - સ. જી. પં. અ. ૬૬-૧૯) એ શ્લોકને વિષે જેમ પતિવ્રતા સ્ત્રી આદિક પાંચને પોતપોતાના વિષયમાં સહજ લગની કહી છે તેમ શ્રીહરિજી મહારાજની માહાત્મ્યે સહિત જે નવ પ્રકારની ભક્તિ તેને વિષે લગની જોઈએ ને વળી જેમ કાળમીંઢ પર્વત ખોદીને તેમાં નાના પ્રકારની રચના કરવી પડે તેમાં વાર બહુ લાગે. તેમ સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરવો પડે તેમાં ઉતાવળા થાવું નહિ. એવી રીતે પુરુષ પ્રયત્ને કરીને સહજ પ્રકૃતિ ટળે છે ને તે વિના તો ટળે નહિ ને સહજ પ્રકૃતિ ટાળ્યાની યુક્તિ શ્રીજીમહારાજે વચનામૃતમાં કહી છે. તેને શીખીને તે પ્રમાણે વર્ત્યાનો આગ્રહ રાખવો.।।૪૦૫।।
ટિપ્પણી
પ્રકૃતિ ટાળ્યાની યુક્તિનું વચનામૃતઃ ગઢડા મધ્ય ૩૭.