વાત : ૪૬૧
જીવાત્માને મનન દ્વારાએ કરીને અક્ષરના સાધર્મ્યપણાને પમાડ્યો હોય ને સત્તારૂપે વર્તતો હોય ને જગતની સર્વે ક્રિયાને સ્વપ્નતુલ્ય ને નાશવંત ને કાખના મુવાળા જેવી અતિ તુચ્છ સમજતો હોય ને તેને શ્રીહરિજી કહે જે જગતના સર્વે વૈભવ અસત્ય છે ને અતિશય દુઃખરૂપ છે ને અસાર છે તો એ વચન યથાર્થપણે સત્ય મનાઈ જાય છે ને શ્રીહરિજીને પણ અલૌકિક ને અકર્તા સમ્યક્ પ્રકારે સમજીને જે ભજન સ્મરણ કરે છે. તેને પણ કર્મ વળગતું નથી કેમ જે જુઓને અર્જુન હતા તેમણે શ્રીકૃષ્ણનો યથાર્થ મહિમા જાણીને ને એમને વિષે અકર્તાપણાને સમજીને ને પોતાને આત્મસત્તારૂપ માનીને અકર્તાપણે વર્ત્યા તો કર્મ વળગ્યું જ નહિ ત્યાં શ્લોક છે જે :
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्त्तते।।१
यस्य नाहकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाल्लोकान् न हंति न निबध्यते।।२
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यन्श्रृणवन्स्पृशञिजध्रन्नश्नन्गच्छन् स्वपन्श्वसन्।।
पर्रलपन विसृजन् गृहन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणींद्रियोर्थेषु, वर्तते इति धारयन्।।३
૧. અર્થ :- સમર્થ યોગી દેહના અહંભાવે કરીને પ્રવર્તતું કર્તાપણું, આશ્રમના અભિમાન થકી મમતાએ કરીને પ્રવર્તતું કર્મ અને તે તે કર્મ થકી ઊપજતો દેવાદિક ફલનો સંયોગ તેને નથી ઉપજાવતો. પરંતુ પ્રાચીન શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલી દેહેન્દ્રિયાદિ રૂપ પ્રકૃતિ જ પ્રારબ્ધ કર્માનુસારે પ્રવર્તે છે. (ગી. ૫-૧૪)
૨. અર્થ :- જે જે મુમુક્ષુને દેહાભિમાનથી થતા કર્મના કર્તાપણાનો સંકલ્પ નથી ઊપજતો, અને કર્મ સંબંધી મમતા તથા ફલને વિષે જેની બુદ્ધિ બંધાતી નથી તે પુરુષ સમગ્ર લોકને યુદ્ધને વિષે મારીને પણ નથી મારતો અને તે કર્મે કરીને બંધાતો પણ નથી. (ગી. ૧૮-૧૭)
૩. અર્થ :- આ પ્રમાણે આત્મતત્ત્વને જાણનારો યોગી પુરુષ શ્રોતાદિક જ્ઞાનેન્દ્રિયો, વાક્ આદિક કર્મેન્દ્રિયો અંતઃકરણ ને પ્રાણ તેથી તે તે ક્રિયાઓને કરતાં છતાં પણ હું કંઈ નથી કરતો પણ સર્વ ઇંદ્રિયો જ પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે એમ માને. ષ્ઠષ્ઠ (ગી. પ. ૮-૯)
એવી રીતે જ્ઞાની હરિભક્તનું વર્તન કહ્યું ત્યારે પરમેશ્વરનું તો તે કરતાં પણ અતિશય અકર્તાપણે કરીને વર્તન સર્વે શ્રુતિ, સ્મૃતિને વિષે કહ્યું છે જે કર્તા, અકર્તા, અન્યથાકર્તા પરમેશ્વર જ છે.।।૪૬૧।।