વાત : ૩
કળવું, કહેવું ને રહેવું. તે કળવું એટલે ભગવાનને કળવા તે કેવી રીતે તો મહારાજનો ચમત્કાર જોવો ને શ્રીકૃષ્ણની સામર્થી જોવી અને રામચંદ્રજીની સામર્થી જોવી અને ઋષભદેવની સામર્થી જોવી અને ઋષભદેવની સામર્થી જોવી અને કપિલજી તથા દત્તાત્રેયની સામર્થી જોવી અને પછી પૂર્વાપર વિચારીને જુવે ત્યારે બીજા અવતાર કરતાં શ્રીકૃષ્ણ ભગવાનની સામર્થીમાં ફેર છે તે જ્યારે તપાસીને જુવે ત્યારે ખબર પડે; કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે ચોવીસ અવતારને પૃથક્ પૃથક્ દેખાડ્યા તે જોતાં એમ જણાય છે જે બીજા અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે અને મહારાજની અને શ્રીકૃષ્ણની સામર્થી જોઈએ ત્યારે શ્રીકૃષ્ણના અવતારી શ્રીજીમહારાજ છે એમ પોતાની બુદ્ધિમાં તપાસ કરીને તે સર્વે અવતારના અવતારી શ્રીજીમહારાજ છે એમ જે જાણવું તેને કળવું કહીએ.
એવા જે શ્રીજીમહારાજ તેના જે એકાંતિક મોટા સાધુ હોય તેને ઓળખવા અને તે સાથે હેતુ કરવું તેને કહેવું કહીએ.
એવા જે જે મોટા સાધુ તેની અનુવૃત્તિ રાખવી તથા તેમની સેવા કરવી ને ભગવાનની આજ્ઞામાં ફેર ન પાડવો અને માથા સાટે સત્સંગનો પક્ષ રાખવો એ આદિક જે જે એકાંતિક સાધુ કહે તેમ કરવું તેને રહેવું કહીએ. ।। ૩ ।।
ટિપ્પણી
મોટા સાધુની અનુવૃત્તિ : તેમની મરજીને કે આજ્ઞાને અનુસરવું તે.