વાત : ૧

વ્યાસસૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતા નથી અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળપુરુષ તથા પ્રધાનપુરુષ તથા વિરાટપુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજા ઇત્યાદિક અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે ત્યારે એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય ત્યારે જો એને મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે પણ એ અવતારાદિક અહીંયાં જ સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારીરૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને પોતા સાથે જે જોડાણા હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે ને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે. તે અહીંયા આવે છે ત્યારે કાં તો એક દેહને ત્યાં મેલીને બીજે દેહે કરીને આવે છે અથવા બીજાને પોતાની ગાદી (સત્તા) સોંપીને આવે છે પછી અહીંયાં આવીને પુરુષોત્તમની ઉપાસના દૃઢ કરીને પોતાની ખોટને ટાળીને પછી પોતે જ્યાંથી આવ્યા હોય ત્યાં જ પાછા જાય છે અને પછી પોતાની આવરદામાં જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તેને પૂરાં કરી પછી ત્યાંથી અક્ષરધામમાં જાય છે પણ તે અવરદાને ભોગવ્યા વિના પાધરા અહીંથી અક્ષરધામમાં જવાય નહિ. તે માટે મુમુક્ષુ હોય તેને ભગવાનના જેવું હેત કોઈ મુક્ત કે સાધુને વિષે ન કરવું. અને જો તેવું હેત તેમને વિષે કરે તો તેને પણ પોતાને વિષે જોડે. માટે વિચારીને હેત કરવું. આ વાત અવશ્ય સમજવાની છે. ।। ૧ ।।



ટિપ્પણી

બીજા અવતારઃ ચોવીસ અવતારો :- બ્રહ્મા, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ, હંસ, હયગ્રીવ.

એમાં દસ મુખ્ય અવતારો : મત્સ્ય, કચ્છ (કૂર્મ), વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ.

મૂળપુરુષ તથા પ્રધાનપુરુષ તથા વિરાટપુરુષ તથા... : આ પૃથ્વીને મૃત્યુલોક કે મર્ત્યલોક કહે છે. મૃત્યુલોકથી નીચે અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ- એવાં સાત લોક છે. જેમાં રાક્ષસો, અસુરો, નિશાચરો, નાગ વગેરે રહે છે. મૃત્યુલોકથી ઉપર (=ઊર્ધ્વ) ભુવર્લોક છે, તેમાં નિમ્નકક્ષાના દેવ રહે છે. તેથી ઉપર સ્વર્ગલોક છે, તેમાં દેવ રહે છે. વરુણ (સમુદ્ર તથા પશ્ચિમ દિશાના દેવ), કુબેર (ધનના અધિપતિ દેવ), અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, યમરાજા (મૃત્યુના દેવ) વગેરે દેવ છે. એ દેવના રાજા તે ઇન્દ્ર. સ્વર્ગથી ઉપર મહર્લોક છે. તેમાં પિત્રિદેવ રહે છે. તેથી ઉપર જનલોક ને તપલોક છે, તેમાં ભૃગુ આદિ ઋષિઓ રહે છે. તેથી ઉપર સત્યલોક છે, તેમાં બ્રહ્મા રહે છે. આમ પાતાળથી લઈને સત્યલોક સુધીનાં ચૌદ લોક છે. તેમનું બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, શિવ સંહાર કરે છે. બ્રહ્મા-વિષ્ણુ-શિવની ત્રિપુટીથી ઊર્ધ્વ વિરાટપુરુષ છે, જે ક્ષીરસાગરને વિષે શેષશય્યા ઉપર સૂતેલા છે, ને તેમની નાભિમાંથી પદ્મ (કમળ) થયું તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ ચૌદ લોકની રચના કરી છે, જેને પાદ્મકલ્પ કહે છે ને બ્રહ્માએ અંગથકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે. (વચનામૃત : ગઢડા પ્રથમ ૧૩). જે વિરાટપુરુષ છે તે પ્રધાનપુરુષમાંથી ને પ્રધાનપુરુષ મૂળપુરુષમાંથી થયાં છે. મૂળપુરુષ જ્યારે મૂળમાયા સાથે જોડાય છે ત્યારે પ્રધાનપુરુષની ઉત્પત્તિ થાય છે. પ્રધાનપુરુષને ભૂમાપુરુષ કે મહાવિષ્ણુ પણ કહે છે. મૂળપુરુષને મહાપુરુષ પણ કહે છે. મૂળપુરુષ ગોલોકધામના અધિષ્ઠાતા છે. મૂળપુરુષે આ પૃથ્વીલોક ઉપર અવતાર લીધો ત્યારે દેવકી-વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ભગવાન નામે ઓળખાયા, ને એ ચૈતન્ય ભૂમિકામાં રહેનારા છે.

સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીની આ વાતોમાં વાત ૩માં સ્વામીશ્રી સ્પષ્ટ જણાવે છે : ‘‘શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે ચોવીસ અવતારને પૃથક્‌ પૃથક્‌ દેખાડ્યા તે જોતાં એમ જણાય છે જે બીજા અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે, અને મહારાજની અને શ્રીકૃષ્ણની સામર્થી જોઈએ ત્યારે શ્રીકૃષ્ણના અવતારી શ્રીજીમહારાજ છે એમ પોતાની બુદ્ધિમાં તપાસ કરીને તે સર્વે અવતારના અવતારી શ્રીજીમહારાજ છે એમ જાણવું.’’

પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આ બ્રહ્માંડમાં પ્રાદુર્ભાવ થયા પછી મૂળપુરુષમાંથી ઉચ્ચતર ચૈતન્ય ભૂમિકાઓની તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વશ્રેષ્ઠ ભૂમિકાની સુપાત્ર એવા મુમુક્ષુઓને અનુભૂતિ થઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે અક્ષરધામથી આ પૃથ્વીલોક ઉપર પધારેલા સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રી જેવા સત્પુરુષોએ કૃપા કરીને અતિશય દાખડો કરી મુમુક્ષુઓને આ હકીકત સુસ્પષ્ટ રીતે જેમ છે તેમ સમજાવી છે. વળી, સ્વામીશ્રી એમ પણ સમજાવે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્યતમ અને સર્વશ્રેષ્ઠ સ્વરૂપનો અનુભવ થતાં અન્ય સૌ ભૂમિકાઓ આપોઆપ ગૌણ થઈ જાય છે. આથી ઉચ્ચતમ પરમપદની પ્રાપ્તિ અર્થે મુમુક્ષુઓનું અંતિમ લક્ષ્ય અતિ સ્નેહે કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી દિવ્ય સ્વરૂપમાં જ જોડાવાનું રહેવું જોઈએ.

ઐશ્વર્યાર્થીઃ ઐશ્વર્ય-ચમત્કાર-પ્રતાપ મેળવવાની ઇચ્છાવાળા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભક્તને ઐશ્વર્ય પ્રતાપની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. શ્રીહરિના અદ્‌ભુત દિવ્ય સુખ તરફ આગળ વધવાને બદલે કેવળ ઐશ્વર્યમાં પ્રલોભન પામી કેવળ ઐશ્વર્યાર્થી બની રહે છે.