વાત : ૪૧૧

એક દિવસ મોટા સંતે કહ્યું જે જેટલા પદાર્થ બાહેર રહ્યાં છે તેટલાં જ જીવમાં રહ્યાં છે ને જીવની અહંવૃત્તિ બળવાન છે કેમ જે અતિશય સરસ ભગવાનની વાર્તા સંતની સભામાં થાતી હોય ને અહંવૃત્તિ જો બીજે ઠેકાણે જાય તો તરત ચાલીને ઊઠી નીકળે. ને એ અહંવૃત્તિ બહુ વિસ્તારવાન જણાય છે. જુઓને સાહેબ લોક ઘોડાને ને સ્વાર તોળીને દોડાવે છે ને ફરીને તોળે તો જે આગળ નીસર્યો હોય તેમાં ચાર પાંચ શેર વધુ ભાર થાય છે. ત્યારે પૂછવું જે અહંવૃત્તિ કેમ ટળે ? ઉત્તરઃ જે શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે નિયમમાં પ્રમાદ મૂકીને દેહને વર્તાવે ને સત્પુરુષના સંગે કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત શ્રીજીની ભક્તિને શીખે ને તેમ જ વર્તે તો અહંવૃત્તિ ટળે ને એ અહંવૃત્તિ જન્મ મરણનું કારણ છે.।।૪૧૧।।



ટિપ્પણી

સાહેબ લોક ઘોડાને તોળીને દોડાવે છેઃ જેમ આગળ નીકળેલો ઘોડો ને સ્વાર વધુ ભારવાળા હોય છે, તેમ બળવાન અહંવૃત્તિવાળાને તેની અહંવૃત્તિનો વિસ્તાર પણ વધુ હોય છે.