વાત : ૨૯૩
પ્રત્યક્ષ શ્રીહરિજી કે તેમના સંત મળ્યા એટલે કલ્યાણ થઈ રહ્યું પણ ત્રણ અંગે સહિત ભક્તિરૂપ સાધનને કર્યા વિના કારણ દેહની વાસના નાશ પામતી નથી ને શ્રીજીમહારાજ પણ પ્રસન્ન થાતા નથી ને તે સાધન તો એકાંતિક ભક્તના સંગે કરીને ને અતિ દૃઢ પુરુષપ્રયત્ને કરીને શીખે તો સિદ્ધ થાય છે એમ સમજ્યા વિના નિષ્કામ ભક્તિ થાતી નથી ને જે પોતાના મનને જાણે, ભક્તિ કરે છે તે તો સકામ થઈ જાય છે. તે ભાગવત્ ધર્મમાં નવધા ભક્તિ સત્પુરુષો પાસેથી શીખ્યાનું કહ્યું છે ને ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે,
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान ब्रह्मभूयाय कल्पते।।
અર્થ :- મને જે નિષ્કામ ભક્તિયોગે કરીને આરાધે છે, તે યોગી સત્વાદિક ગુણોને ઉલ્લંઘીને વર્તે છે અને પોતે અક્ષરબ્રહ્મરૂપ થાય છે. (ગી. અ. ૧૪-૨૬)
માટે નિષ્કામપણે શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે ત્રણે અંગે સહિત ભક્તિ કરવી પણ બીજું ઇચ્છવું જ નહિ, એ એકાંતિક ભક્તની સમજણ છે. ને જે સકામ ભક્તિ છે તે તો દેહને અર્થે કામ, લોભ, રસાસ્વાદ ને માન ઇત્યાદિકને અર્થે થઈ જાય છે તે સારુ સમજીને ભક્તિ આદિક સાધન કરવાં. એવી રીતે વાર્તા બહુ કરી છે પણ આ તો દિશ માત્ર લખી છે.।।૨૯૩।।