વાત : ૧૨૪

એક શુક્લ બ્રાહ્મણ સત્સંગી હતો તેણે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે દેહમાંથી જીવ ત્યારે બહાર નીસરે છે તેનું રૂપ કેવું હશે ? ને એ જીવ ક્યાં જાતો હશે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવનું રૂપ તો સૂક્ષ્મ છે તે ચર્મ દૃષ્ટિએ કરીને દેખાય એવું નથી. જેમ દીપક અસ્ત પામે છે તેનો જે પ્રકાશ તે આકાશમાં લીન થઈ જાય છે અને અંધારાની ઘાટપ હોય તે પ્રકાશને લીન કરી નાખે છે જેમ પ્રયાગરાજની ગુફા છે તેમાં પ્રયાગવડનું ઝાડ છે તે જે ગયા હશે તેણે દેખ્યું હશે તે પ્રયાગવડના ભોંયરામાં અતિશય અંધારું થાય છે. તેમાં દીપક લઈ જાય ત્યારે થોડાકમાં અજવાળું થાય પણ બધાય ભોંયરામાં એક દીપકથી અજવાળું થાય નહિ, કેમ કે અંધારાની ઘાટપ છે તે પ્રકાશને ખાઈ જાય છે. વળી બીજું દૃષ્ટાંત જે જેમ આકાશમાં મોટાં પક્ષી ઊડે છે તે પ્રથમ તો ભમરા જેવડાં જણાય છે પછી દેખાતાં નથી ત્યારે એ પક્ષી કાંઈ મરી ગયાં નથી કે ટળી ગયાં નથી, એતો આકાશમાં અંધારામાં લીન થઈ રહ્યાં છે. તે જેને અજ્ઞાનરૂપી અંધારું ટળ્યું હોય તે દેખે છે તે અલૌકિક દૃષ્ટિ છે તે ચર્મ દૃષ્ટિથી નોખી છે. જેમ આપણે સંતની સભામાં બેઠા છીએ તેમાંથી કોઈકને નિદ્રા આવી જાય ને સ્વપ્ન આવે ત્યારે તે એમ દેખે જે ફોજ આવે છે તે જેને સ્વપ્ન આવ્યું તે ફોજ દેખે છે તે આ ફળિયામાં કંઈ ફોજ આવી નથી પણ સ્વપ્નવાળાની દૃષ્ટિમાં દેખાય છે તેમ આત્મા જે જીવ અથવા બ્રહ્મ દેખવાની પણ દૃષ્ટિ નોખી છે. તે દૃષ્ટિ ભગવાનની મૂર્તિને ધ્યાને કરીને આવે છે. તે વિના કોટિ સાધન કરે તેણે કરીને પોતાના જીવને દેખવો અથવા બ્રહ્મને દેખવું તે દૃષ્ટિ આવતી નથી. માટે જે એ દૃષ્ટિને પામ્યા હોય તે હમણાં કોઈ વાત કરે તે કાંઈ માન્યામાં આવે નહિ. હમણાં હું કહું જે બ્રહ્મ સર્વત્ર છે ને પિંડ બ્રહ્માંડ કાંઈ નથી ત્યારે કહેશો જે અમારી આગળ વાત કરો છો ત્યારે અમને દેખતા જ હશો તો ? એવી શંકા મનમાં આવે પણ બ્રહ્મને દેખવાની દૃષ્ટિ તે પણ નોખી છે ને પૃથક્‌ દેખવાની દૃષ્ટિ પણ નોખી છે. એવી રીતે જ્ઞાનીનાં તો શાસ્ત્રમાં અનંત લોચન કહ્યાં છે. માટે એ મર્મને અજ્ઞાની જીવ જાણતા નથી ને ભગવાનની મૂર્તિનું જે અખંડ ધ્યાન કરે છે તે સર્વેને દેખે છે ને અલૌકિક દૃષ્ટિ પામે છે.।।૧૨૪।।