વાત : ૮૫
આજે વર્તમાન કાળે જે પરમ એકાંતિક ભક્ત હોય તેમને પુરુષોત્તમ ભગવાન બ્રહ્મપુરના ભક્તોની પેઠે દર્શન દેતા હશે ? ત્યારે મોટા સંત કહે જે, આ પૃથ્વીને વિષે જે પરમ એકાંતિક ભક્ત હોય તેમને બ્રહ્મપુરના મુક્તોની પેઠે જ દર્શન આપે છે ને તે સાથે વાર્તા પણ કરે છે ને કોઈ ક્રિયા ભક્તને ન આવડે તો તે ભક્તને શીખવી પણ દે છે ને તે ભક્તને કોઈક વાત પૂછવી હોય તો પૂછી લે છે. એમ તે ભક્તને અતિ સાધર્મ્યપણું વર્તે છે ને જેમ અતિ હેતવાળા બે મિત્ર હોય તેને જેમ કોઈ વાતનો અંતરાય રહેતો નથી તેમ એ ભક્ત પણ શ્રીજીમહારાજને વિષે અતિશય સ્નેહે કરીને જોડાઈ જાય છે માટે કોઈ રીતનો અંતરાય રહેતો નથી. ને આજના મુક્તોની સામર્થી તો જુઓ જે સંતદાસજી બદ્રિકાશ્રમમાં જઈને આવ્યા. ને સચ્ચિદાનંદ સ્વામીને બેડી તથા તાળાં તથા ભીંત તથા નદી ને ગઢ ને કિલ્લો આદિ કોઈ આવરણ જ થયા નહિ. ને રતના ભક્તને પણ તાળાં ને ભીંત આડ કરી શક્યાં નહિ ને વિશ્રામ ભક્ત સુતારના સંકલ્પે કરીને લાખો કીડીઓના જીવ દેવતાના રૂપને ધરીને વિમાનમાં બેસીને દેવલોકને પામ્યા તે અવતાર અવતારીના સંકલ્પમાં પણ ન્યૂન-અધિકપણું અતિશય છે જે અવતારીના મુક્ત તો સંકલ્પ કરે તે માત્રમાં તે ક્રિયા સિદ્ધ થાય છે ને અવતાર છે તે તો સંકલ્પ કરીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે સિદ્ધ થાય. એવી અનેક પ્રકારની વાર્તા સત્સંગમાં છે.।।૮૫।।