વાત : ૨૬૭
જીવાત્માને સત્પુરુષના સંગે કરીને ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, પંચ પ્રાણ, પંચ ભૂત, પંચ વિષય. આ ચાર અંતઃકરણ, દશ ઇંદ્રિયો તથા ચૌદ દેવતા એ સર્વે માયાનું ટોળું છે તે થકી અતિ વિલક્ષણ ને પૃથક્ જાણીને જીવસત્તાને અક્ષર સાથે મનન દ્વારાએ કરીને નિરંતર જોડ્યા કરે તો સંકલ્પ વિકલ્પ કાંઈ ટકી શકે નહિ ને સર્વે સમાઈ જાય, એવી રીતે બહુ વાર્તા કરી.।।૨૬૭।।
ટિપ્પણી
માયાનું ટોળુંઃ ત્રણ દેહ (સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ), ત્રણ અવસ્થા (જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ), ત્રણ ગુણ (સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણ), પંચ પ્રાણ (પ્રાણ, અપાન, સમાન, વ્યાન ને ઉદાન), પંચભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ), પંચ વિષય (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ), ચાર અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર), દસ ઇંદ્રિયો (શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ- એ જ્ઞાનેન્દ્રિયોઃ વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ- એ (કર્મેન્દ્રિયો), ચૌદ દેવતા (દિશા, પવન, સૂરજ, પ્રચેતા, અશ્વિનીકુમાર, અગ્નિ, વિષ્ણુ, ઇંદ્ર, મિત્ર, પ્રજાપતિ, ચંદ્રમા, બ્રહ્મા, અચ્યુત, શંકર). આ બધું મળીને માયાનું ટોળું કહેવાય છે.