વાત : ૩૪૫
દેહ ને દેહના સંબંધીમાં એવું દૃઢ હેત છે તે કેમ ટળે ? ઉત્તર : જે વૈરાગ્ય સોતું આત્મજ્ઞાન નથી ને માહાત્મ્યે સહિત શ્રીજીમહારાજનું જ્ઞાન નથી માટે નાત જાતને વિષે તથા દેહ ને દેહના સંબંધીને વિષે આસક્તિ છે ને તે સમુદ્રની પેઠે અંતરમાં ભરી છે ને સત્સંગ તો સમુદ્રની લહેરની પેઠે છે. માટે અંતઃકરણને વિષે શ્રીજીમહારાજનો મહિમા ધારવો ને તેની મરજી પ્રમાણે વર્તવું ને અતિશય દયાળુપણું, અતિશય વાત્સલ્યપણું, અનવધિકાતિશય જ્ઞાન, બળ, ઐશ્વર્ય, શક્તિ, તેમ જ આદિક અસંખ્યાત કલ્યાણકારી ગુણ તથા નિરવદ્ય, નિરંજન, નિર્વિકારપણું, અનવધિકાતિશય સૌકુમાર્ય, લાવણ્ય-યૌવનાદિ અનંત ગુણ એ સર્વે ગુણનું નિધિ એવું જે ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને વિભૂતિ એ સર્વેને અંતઃકરણને વિષે નિરંતર ધારવાં ને મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તવાપણું ને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિભાગપણાની સમજણ એ સર્વે જીવને વિષે અવ્યક્તપણે નામરૂપની પેઠે ખૂંતી રહ્યાં હોય તો જ્યારે સંભારે ત્યારે તદ્રુપ થઈ જવાય ને એવું જો વર્તતું હોય તો દેહ ને દેહના સંબંધીને વિષે સ્નેહરૂપ સમુદ્ર નાશ થઈ જાય છે ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિરૂપ સમુદ્ર વૃદ્ધિને પામે છે.।।૩૪૫।।
ટિપ્પણી
નિરવદ્યઃ નિઃ + અવદ્ય : અજ્ઞાન રહિત, નિર્દોષ.
નિરંજનઃ નિઃ + રંજન : માયા રહિત.
લાવણ્યઃ સૌંદર્ય.
ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિભાગઃ ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ તે આત્મા. જીવથી માંડીને મૂળઅક્ષર પર્યંત ક્ષેત્ર ને શ્રીજીમહારાજ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ જુદાં છે તેની સમજ.