વાત : ૫૦૯

અને ચૈતન્યાનંદ સ્વામી કહે કે એક દિવસ સ્વામીએ મારી આગળ એમ વાત કરી જે પોતાનો જેવો સ્વભાવ હોય તેવો સર્વનો કરવા ઇચ્છીએ તો તે કેમ થાય ? કારણ કે શરીરનાં બીબાં જુદાં જુદાં છે માટે ન થાય. ને તમોગુણ ને રજોગુણના જે મલિન સંકલ્પ છે તે તો શમદમાદિકે કરીને તથા શ્રીજીમહારાજના ગુણ ચરિત્રના કીર્તને કરીને ટળે છે. ને વિષયની ઉત્પત્તિ તો વિષયમાંથી ને દેહાભિમાનમાંથી છે અને સૂક્ષ્મભાવ તથા સ્થૂળભાવને ઓળખવા. તે સૂક્ષ્મભાવ શું જે મુક્તાનંદ સ્વામી જેવા સંત તે અનેક જીવનાં કલ્યાણ કરવાને અર્થે સર્વેના સરખા વર્તે છે ને પોતાને વિષે તો વૈરાગ્યાદિકનું બળ અપાર રહ્યું છે તો પણ એમ વર્તે તે સૂક્ષ્મભાવ કહેવાય ને સ્થૂળભાવ તો એ જે પોતાના અંતઃકરણમાં તો બળ અલ્પ હોય ને બાહેર બહુ જણાવે એ સ્થૂળભાવ કહેવાય.।।૫૦૯।।