વાત : ૨૫૧

ટેવ પડ્યાની વાર્તા કરી જે માંદા તથા વૃદ્ધ સંતનાં આચરણને જોઈને જુવાન અવસ્થાવાળા હોય તે પણ ઝીણાં વસ્ત્ર તથા પથારી કરવી તથા ખાનપાનાદિકની ટેવ પાડે છે એ સારુ નથી. કેમ જે ટેવમાંથી તો સત્સંગથી બહાર જાતું રહેવાય છે માટે ટેવ માત્ર ન શીખવી એમ કહીને ઉંદરના દૃષ્ટાંતે કરીને સુખિયા રહ્યાની વાર્તા બહુ કરી ને પાટીદારના દૃષ્ટાંતે કરીને દુઃખિયા થવાની વાર્તા બહુ કરી.।।૨૫૧।।



ટિપ્પણી

ઉંદરનું ને પાટીદારનું દૃષ્ટાંતઃ જે ઘરમાં ખાવાનું મળે તે ઘરમાં ઉંદર રહે છે. ખાવાનું મળતું બંધ થઈ જાય તો ઉંદર તે ઘરનો ત્યાગ કરી દઈ, જ્યાં ખાવાનું મળે તેમ હોય તેવા બીજા ઘરમાં રહેવા જાય છે. એ રીતે ખાવાપીવાની ટેવ પડી જાય, ને કદાચ તે સત્સંગમાં ન મળે તો સત્સંગમાંથી બહાર જતું રહેવાય.

ગુજરાતમાં ચરોતરમાં (ખેડા જિલ્લામાં) છ ગામના પાટીદારો પોતાને ઊંચા કહેવડાવે છે, ને તે સિવાયના ગામની કન્યા લેતા નથી, ને તેમ કરવામાં ઘણી વાર ખૂબ હેરાન ને દુઃખી થાય છે, તો પણ તે રિવાજને છોડી શકતા નથી.

એ રીતે ટેવ પડે તો તેમાંથી સુખિયા કે દુઃખિયા થવાય છે.