વાત : ૧૨૮
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનને એમ સમજે જે મહારાજ તો કોઈને ક્યાંય જોડતા નથી; મહારાજ તો અક્ષરધામને વિષે પોતાના એકાંતિક જે ભક્ત તેને નિરંતર દર્શન આપે છે પણ પોતાને બીજા કોઈની પાસે કાંઈ કરાવવું નથી અને મહાપુરુષાદિક જે જે પ્રવૃત્તિ તથા નિવૃત્તિને વિષે જોડાયા છે તે તો પોતાને રાગે કરીને જોડાયા છે તેને અક્ષર દ્વારે કરીને જોડે છે પણ પોતે તો કોઈને પ્રવૃત્તિને વિષે જોડતા નથી. તે ઉપર મહારાજે વાત કરી હતી જે પ્રથમ સૃષ્ટિ કરવાનો સમય થયો ત્યારે ભગવાને અક્ષર સામું જોયું ત્યારે અક્ષરે અનંતકોટિ મુક્ત બેઠા હતા તે સામું જોયું, તેમાંથી જેને સત-આશય હતો એવો જે પુરુષ તે આગળ આવીને ઊભો રહ્યો ત્યારે અક્ષરે વૃત્તિએ કરીને તેને માયાને વિષે જોડ્યો ત્યારે માયા થકી અનંતકોટિ મહાવિષ્ણુ થયા. પછી એક એક મહાવિષ્ણુ થકી એક એક બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એવી રીતે અનંતકોટિ બ્રહ્માંડ ઉત્પન્ન થતાં હવાં. ત્યારે કેટલાકે એમ જાણ્યું જે એને રાગ હતો તે જોડાણો ને કેટલાકેતો એમ જાણ્યું જે એને રાગ પણ હતો અને મહારાજે આજ્ઞા કરી એટલે માયા સાથે જોડાણો અને કેટલાકે તો એમ જાણ્યું જે એને જોડાવું નહોતું પણ મહારાજે આજ્ઞા કરી તેથી માયા સાથે જોડાણો માટે એ બેય પાછળથી કહ્યા તેમણે એ કાચપ ટાળી જોઈએ એમ જે સમજે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.।।૧૨૮।।