વાત : ૨૨૨

અને હરજી ઠક્કરે પૂછ્યું જે દેહ અને દેહ સંબંધી પદાર્થને વિષે જેવી જીવને પ્રીતિ છે તેવી ભગવાનને વિષે પ્રીતિ કેમ થાતી નથી ? તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે જીવનો સહેજે જ એવો સ્વભાવ છે જે પોતાના સંબંધીને વિષે એને બહુ માલ જણાય છે ને તેને વિષે અતિશય સ્નેહ રહે છે. અને સત્સંગે કરીને ભગવાનને વિષે પ્રીતિ તો થઈ છે પણ ગૌણ છે. ને જે ત્યાગી છે તેને પણ દેહ તથા દેહ સંબંધી પદાર્થને વિષે વિશેષ પ્રીતિ છે તથા લખવું, ભણવું અને પુસ્તક તેને વિષે પણ વિશેષ પ્રીતિ છે. માટે તેવી ભગવાનને વિષે પ્રીતિ નથી થાતી. જેમ પચાસ સાઠ પ્રકારનાં ભોજન હોય તેમાં જલેબી અને મોતિયા જેવાં ઉત્તમ ભોજનને ઠેકાણે તો એણે દેહ તથા દેહ સંબંધી પદાર્થને કર્યા છે ને ડોડીની તથા સુવાની ભાજીને ઠેકાણે ભગવાનને કર્યા છે, માટે ભગવાનને વિષે પ્રીતિ નથી થાતી. માટે દેહ તથા દેહ સંબંધી પદાર્થનો નિષેધ કરીને તેમને ભાજીને ઠેકાણે ગણે ને ભગવાનને જલેબી મોતિયાને ઠેકાણે ગણે ત્યારે ભગવાનને વિષે પ્રીતિ થાય. તથા વળી જેમ કોડી ને પૈસો પણ ધન છે ને પારસમણિ તથા ચિંતામણિ તે પણ ધન છે તેમાં ચિંતામણિના જેવું હેત એ જીવને દેહ તથા દેહ સંબંધી પદાર્થને વિષે છે. ને ભગવાનને વિષે જે પ્રીતિ છે તે તો કોડી ને પૈસાના જેવી છે માટે ભગવાનને વિષે તેવી પ્રીતિ નથી થાતી. માટે જો દેહ તથા દેહ સંબંધી પદાર્થને અસત્ય જાણીને તેને કોડી તથા પૈસાને ઠેકાણે ગણે ને ભગવાનને ચિંતામણિને ઠેકાણે ગણે તો ભગવાનને વિષે એ જીવને પ્રીતિ થાય. અને દેહ તથા સંબંધી પદાર્થ તે તો અસત્ય છે તે કોઈ દિવસ સત્ય નથી. તેમ થઈ ગયાં જે પદાર્થ તે પણ સત્ય નથી અને જે છે તે પણ સત્ય નથી તથા આગળ થાશે તે પણ સત્ય નથી. ને એને વિષે કોઈ દિવસ માલ નથી. જેમ ઝાંઝવાનું જળ તે કોઈ દિવસ સત્ય નથી તથા જેમ ગધેડાનીલાદનું સુખડું કરે તેમાં કોઈ દિવસ સુખ હોય જ નહિ, અને આ જીવ છે તે રાજાના જે દેહ સંબંધી ભોગ તેને પામ્યો છે તથા ઇન્દ્રના સંબંધી ભોગને પામ્યો છે. તથા બ્રહ્માના દેહ સંબંધી જે ભોગ તેને પામ્યો છે. પણ તે બ્રહ્માદિકના જે દેહ તથા દેહ સંબંધી પદાર્થ તે કોઈ દિવસ સત્ય નથી. એ તો અનંતવાર થઈ ગયા ને અનંતવાર તે ભોગને ભોગવ્યા માટે તે કોઈ દિવસ સત્ય નથી તથા વિરાટનો દેહ ને તે દેહ સંબંધી જે પદાર્થ તે કોઈ દિવસ સત્ય નથી. એ તો અસત્ય જ છે કેમ જે તેને કાળ નાશ પમાડે છે. તથા પ્રધાનપુરુષના જે દેહ તથા તે દેહ સંબંધી પદાર્થ તે પણ સર્વે અસત્ય છે. કેમ જે તેને પણ કાળ નાશ પમાડે છે. અને આત્યંતિક પ્રલયને વિષે પ્રકૃતિપુરુષનો દેહ પણ નથી રહેતો ત્યારે બીજું તો ક્યાંથી રહે ? એમ સર્વેને અસત્ય જાણીને પછી સદા સત્ય એવો જે આત્મા તથા પરમાત્મા તેને જ સદા સત્ય જાણીને પછી તે પરમાત્મા જે નારાયણ તેને વિષે સર્વે પ્રકારે પ્રીતિ કરવી ને સમજવું જે સર્વે અપરિમીત સુખ છે તે ભગવાનને વિષે રહ્યું છે ને તે સુખને અનંત કોટિ મુક્ત નિરંતર ભોગવે છે. પણ તેનાથી તૃપ્ત નથી થાતા એવા સદા સુખમય ને સદા દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે આજ આ શ્રીજીમહારાજ રૂપે આપણા કલ્યાણને અર્થે દયા કરીને પ્રગટ્યા છે. એવી રીતે દેહગેહાદિકથી પ્રકૃતિપુરુષાદિક સુધી સર્વેને અસત્ય જાણીને એને વિષેથી પ્રીતિ તોડીને પછી મહારાજને વિષે પ્રીતિ કરે તો તે પ્રીતિ અતિ દૃઢ થાય પણ તે વિના બીજા કોઈ કોટિ ઉપાય કરે તો પણ મહારાજને વિષે દૃઢ પ્રીતિ ન થાય.।।૨૨૨।।



ટિપ્પણી

દેહગેહાદિકઃ દેહ + ગેહ (ઘર) + આદિક.