વાત : ૩૫૧

વિષય જિતાય ત્યારે શ્રીજીમહારાજનું ધ્યાન થાય કે ધ્યાન થાય ત્યારે વિષય જિતાય ? ઉત્તર : જે વિષય જિતાય ત્યારે જ ધ્યાન થાય છે ને તે વિના તો કોઈક ધ્યાન કરે છે ને કોઈક પુરુષોત્તમનું નિરૂપણ કરે છે ને કોઈક વૈરાગ્યનું નિરૂપણ કરે છે ને કોઈક જ્ઞાનનું નિરૂપણ કરે છે ને કોઈક ભક્તિનું નિરૂપણ કરે છે, પણ સર્વે અહંવૃત્તિએ સોતા કરે છે. એમ કહીને સ્વામીએ અહંવૃત્તિની વાર્તા કીડીથી લઈને પુરુષોત્તમ ભગવાન પર્યંત વર્ણન કરી દેખાડી તે અહંવૃત્તિ બે પ્રકારની છે. એક નિર્ગુણ છે ને એક સગુણ છે. તેમાં પણ કેટલીક સવળી છે ને કેટલીક અવળી છે ને જીવ યથાર્થ તો મહારાજ ઓળખતા ને જીવજેવો શુદ્ધ કે અશુદ્ધ હોય તેવો ગંધ પોતાને જણાઈ આવતો ને સત્પુરુષ પણ ઓળખે ખરા.।।૩૫૧।।



ટિપ્પણી

નિરૂપણઃ વર્ણન વિવેચન.

કીડીનું દૃષ્ટાંતઃ કીડી દેહભાવને લીધે ખાદ્ય પદાર્થના કણને જમીનમાં ભેગા કરે છે, પણ તે ખાદ્ય પદાર્થને તેતર જેવાં પંખીઓ ચાંચ ને પગથી જમીન ખોદીને કાઢીને ખાઈ જાય છે. તે રીતે મનુષ્ય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ કરે છે, પણ તે દેહભાવમાં રહેલી અહંવૃત્તિ સહિત કરે છે, તેથી તે અહંવૃત્તિરૂપ તેતર તે સાધનના ફળને ખાઈ જાય છે, ને મનુષ્યને પુરુષોત્તમનું સ્વરૂપ પામવા રૂપી ફળ મળતું નથી. કીડી જેવા સૂક્ષ્મ દેહધારીથી માંડીને પુરુષોત્તમનારાયણથી નીચેની ભૂમિકા સુધી સર્વેમાં સૂક્ષ્મ અહંવૃત્તિ રહી છે, જે સર્વેને આવરણ રૂપ છે. આ રીતે અહંવૃત્તિ અતિ સૂક્ષ્મ છે.