વાત : ૧૦
શ્રીજીમહારાજે વાત કરી જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે તેમણે સૃષ્ટિ સમે અક્ષર સામું જોયું ત્યારે અક્ષરમાંથી પુરુષ નીસર્યો. તે પુરુષ દ્વારે માયા સામું જોયું તેમાંથી અનંત પ્રધાન પુરુષાદિક થયા ને તે પુરુષ અનેકરૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે ને અનંતરૂપે કરીને તે સર્વની રક્ષા કરે છે ને અનંત પાર્ષદ શક્તિઓ ને ઐશ્વર્ય તેણે સેવ્યો થકો પોતાના ધામને વિષે રહે છે ને બીજે સ્વરૂપે પુરુષોત્તમની સેવામાં પણ રહે છે. એ પ્રકારે એમને વિષે અનેક કળાઓ રહી છે તેનો મોટા મોટા કવિ પાર પામતા નથી ને આધુનિક સમજણવાળાની તો તેટલા સુધી જ ગતિ છે ને એવા જે અનંત મૂળપુરુષ તે થકી પર જે અક્ષરપુરુષ તેમને એ સાક્ષાત્ પુરુષોત્તમની ઉપાસના છે કે તમારે છે પણ બીજાને નથી. એવી રીતે સર્વોપરી પ્રકટ પુરુષોત્તમની ઉપાસના સમજવી એ જ્ઞાનવાન એવા જે એકાંતિક ભક્ત તેમની સમજણ છે. ।। ૧૦ ।।
ટિપ્પણી
અક્ષરાતીતઃ અક્ષર + અતીતઃ અક્ષરથી પર.