વાત : ૪૭૯
શ્રીહરિજીના ભક્તને હરિ ભજવામાં કોઈ અંતરાય છે કે નથી ? ઉત્તર : જે અંતરાય તો છે; તેની વિગત જે મોટા ગૃહસ્થ છે તેમને તો ગામ ગરાસ અને વાહનાદિક તથા વ્યવહાર જે રાજ્યકાર્યાદિક તથા ખાનપાનાદિક એ સર્વે હરિભજનમાં અંતરાય કરનારા થાય છે ને ગરીબ હરિભક્તને પણ એ મોટા ગૃહસ્થ અંતરાય કરનારા થાય છે. ને ગરીબ જે ત્યાગી છે તેને તો બરોબરિયા જે ત્યાગી તથા મોટા મનુષ્ય એ અંતરાય કરનારા થાય છે. એ અંતરાય કેમ ન થાય ? ઉત્તરઃ જે ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણે અંગે સહિત જે ભક્તિ તેણે યુક્ત એવા જે સત્પુરુષ તેમને ઓળખીને તેમની અનુવૃત્તિમાં રહીને જો એમનો સમાગમ કરે તો કોઈ અંતરાય ન થાય. ત્યારે કહેશો જે બીજાનો દ્રોહ ન થાય ? એમ કોઈ કહે તો એમાં દ્રોહ શાનો થાય ? ને એમ ન સમજે ને સર્વેને સરખા સમજે તેને તો પશુ જેવો મૂર્ખ જાણવો ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે સંત છે તે તો ત્રીસ તથા ચોસઠ લક્ષણે કરીને યુક્ત છે ને શ્રીજીએ પણ સત્સંગિજીવનને વિષે ધર્મરક્ષાના અધ્યાયમાં બે પ્રકારના સંત કહ્યા છે તેમાં અલ્પ બુદ્ધિવાળાનો સંગ પાપીની પેઠે દૂરથી ત્યાગ કરવાનું કહ્યું છે ને બહુ બુદ્ધિવાળા સંતના સંગે કરીને ત્રણે અંગે સહિત જે ભક્તિ છે તે વૃદ્ધિને પામે છે એમ કહ્યું છે. તે પછી મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી એમના પ્રસંગની વાર્તા નીસરી તથા પર્વતભાઈ તથા ડોડિયા પુંજા ભક્ત એમની વાર્તા વિસ્તારીને બહુ થઈ તેમાં પણ સચ્ચિદાનંદ સ્વામી દેહ મૂકીને બ્રહ્મપુરમાં ગયા ને ત્યાં ચોરની પેઠે છુપાઈ રહ્યા એવી રીતે વાર્તાનો પ્રસંગ બહુ નીસર્યો. ત્યારે સંતે કહ્યું જે એવામાં સ્વભાવ હોય કે નહિ ? ઉત્તર : જે મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી એ આદિક જે સંત તેમણે પુરુષ પ્રયત્ને કરીને પોતાના સ્વભાવને ટાળ્યા હોય તેવા સંતને વિષે ન હોય. ત્યારે તે સંતે કહ્યું જે એવાને વિષય તે બંધન કરે કે ન કરે ? ઉત્તર : જે બહુ ઉપશમ રૂપ ઐશ્વર્યને પામ્યા હોય તે તો જીવના કલ્યાણને અર્થે વિષયનું ગ્રહણ કરે પણ તત્કાળ વિષયના બંધનને ટાળી નાખે ને જે અલ્પ ઉપશમ રૂપ સામર્થીને પામ્યો હોય તે તો શાસ્ત્રના રહસ્યને પોતાની મેળે સમજે ને બીજા તો એવાની પાસે શાસ્ત્રના રહસ્યને શીખે તો જાણે.।।૪૭૯।।
ટિપ્પણી
સચ્ચિદાનંદ સ્વામીઃ શ્રીજીમહારાજ મનુષ્યલીલા સંકેલી અંતર્ધાન થયા ત્યારે સ. ગુ. શ્રી સચ્ચિદાનંદ સ્વામી અતિ વિરહમાં પોતાના દેહની નાડીઓ તોડીને શ્રીજીની ઇચ્છાની ઉપરવટ જઈને અક્ષરધામમાં ગયેલા. ત્યાંથી મહારાજે પાછા દેહમાં મોકલાવી થોડો વખત એ દેહમાં રાખેલા.