વાત : ૨૯૦

સત્સંગ સહેજે મળ્યો હોય તે પુરુષ પ્રયત્ન કર્યા વિના વૃદ્ધિ પામે કે નહિ ? ઉત્તર : જે પોતાને જોયા કરે જે મારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજીમહારાજની માહાત્માયે સહિત ભક્તિ એમાંથી કયા ગુણ આવ્યા છે ને કયા નથી આવ્યા ને આસ્તિકપણું કેટલું છે ને કેટલું નથી ને લોભ, કામાદિક જે દોષ તે કેટલા ઓછા થયા છે ને કેટલા નથી થયા એમ તપાસ અહોનિશ કર્યા કરે ને પુરુષપ્રયત્ને કરીને ધ્રો તથા બોરડીની પેઠે સત્સંગને વિષે નક્કીપાયો કરે તો સત્સંગ વૃદ્ધિ પામે, નહિ તો દેશ કાળાદિકની વિષમતાએ કરીને લાંપડાની પેઠે ઊડી જાય.।।૨૯૦।।



ટિપ્પણી

ધ્રો તથા બોરડીની પેઠેઃ ધ્રો એટલે એક જાતનું ઘાસ, દુર્વા. વરસાદ ન પડે ને બધી વનસ્પતિ સુકાવા માંડે, ત્યારે પણ આ ઘાસનાં મૂળ ઊંડાં હોવાથી તે લીલું ને લીલું જ રહે છે. એ જ રીતે બોરડીના વૃક્ષનાં મૂળ પણ જમીનમાં ઊંડે સુધી ગયેલાં હોય છે, તેથી ઉપરથી કાપી નાખો તો ય ફરી ઊગી નીકળે છે. આમ, સત્સંગમાં નક્કી-ઊંડો પાયો કરેલાનો સત્સંગ લીલો ને લીલો રહે છે.

લાંપડાની પેઠે ઊડવુંઃ લાંપડા નામના ઘાસનાં મૂળ સાવ જમીન ઉપર-ઉપર હોય છે, ને તે સહેજમાં સુકાઈજાય છે અને થોડા પવનમાં પણ ઊડી જાય છે. તે રીતે, જેને સત્સંગમાં પાકો પાયો નથી તેને દેશ-કાળનો સહેજ વિષમ પવન લાગતાં સત્સંગમાંથી પાછા પડી જાય છે.